Page Views: 5083

સમયનું ચક્ર બદલાયું છે, હવે ફરી વિશ્વ ભારત સાથે જોડાવા માટેનો રસ્તો શોધી રહ્યું છે : વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર

ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘‘Corporate Summit 2024 - Bharat's Economic Rising’’ વિશે યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ સુરતના ઉદ્યોગકારોને સંબોધ્યા

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સંયુક્ત ઉપક્રમે સોમવાર, તા. ૦૧ એપ્રિલ ર૦ર૪ના રોજ બપોરે ૧રઃ૩૦થી સાંજે ૦૪:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘‘Corporate Summit 2024 - Bharat's Economic Rising’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારતના માનનીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સુરતના ઉદ્યોગકારોને સંબોધ્યા હતા. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક રીતે ભારતનો ઉદય થઇ ગયો છે અને દેશને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે આપણે બધાએ સર્વેએ સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે. ભારત હવે બ્રિકસનું મેમ્બર બન્યું છે અને ભારતે સફળતાપૂર્વક જી ર૦નું નેતૃત્વ કર્યું હતું. માનનીય વિદેશ મંત્રી ડો. જયશંકર ભારતના વિદેશ સચિવ બન્યા બાદ આજે ભારતે લગભગ ર૧ દેશો સાથે સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (અમેરિકા) હતા ત્યારે તેઓ યુએસ–ભારત નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં અને ર૦૦૪ હિંદ મહાસાગરમાં સુનામી બાદ રાહત કામગીરી દરમિયાન સંરક્ષણ સહકાર સુધારવામાં સામેલ હતા. તેમણે જણાવ્યું હતું કે, ડો. જયશંકર ર૦૦પના નવા સંરક્ષણ ફ્રેમવર્ક અને ઓપન સ્કાઈઝ એગ્રીમેન્ટના નિષ્કર્ષ સાથે પણ સંકળાયેલા હતા અને તેઓ યુએસ–ભારત એનર્જી ડાયલોગ, ઈન્ડિયા–યુએસ ઈકોનોમિક ડાયલોગ અને ઈન્ડિયા–યુએસ સીઈઓ ફોરમ સાથે સંકળાયેલા હતા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ડો. જયશંકરે ભારતના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને આગળ વધારવા અને તેના દ્વિપક્ષીય અને બહુપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે ભારતને આર્થિક મજબૂત બનાવવાના હેતુથી કનહહય ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. જેના અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે. મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોમોની બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે તેઓએ દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવા માટે ટારગેટ આપ્યો છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલા મિશન ૮૪ અંતર્ગત ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી. ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં પ્રથમવાર મિશન ૮૪ અંતર્ગત નવી દિલ્હી ખાતે ઇથોપિયા એમ્બેસી ખાતે ર૧ જેટલા વિવિધ દેશોના એમ્બેસેડર, કોન્સુલ જનરલ, કોમર્શિયલ એટેચી તથા પ્રતિનિધિઓ સાથે મિટીંગ થઇ હતી અને તેઓએ મિશન ૮૪ને સંપૂર્ણ સહયોગ આપવા સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ ભારતને આર્થિક રીતે વધુ મજબુત બનાવવા માટે સુરત, ગુજરાત અને દેશમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોને તકો પૂરી પાડવા સમર્થન આપ્યું હતું.

વધુમાં ચેમ્બર પ્રમુખે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ને સફળ બનાવવા માટે માર્ગદર્શન અને સૂચનો આપવા અનુરોધ કર્યો હતો, જેનો વિદેશ મંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

ભારતના માનનીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સુરતના ઉદ્યોગકારોને સંબોધતી વખતે ગુજરાતીઓના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ હું ગુજરાતમાં આવું છું, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. હું કયારેય પણ ભૂલતો નથી કે હું ગુજરાતનો પ્રતિનિધી છું. મારું માનવું છે કે, ગુજરાતીઓ ભારતમાં સૌથી વધુ ગ્લોબલાઈઝ લોકો છે. દેશમાં અનેક વિકાસલક્ષી અને ઈનોવેટીવ કાર્યો થઈ રહ્યા છે, ત્યારે દેશના યુવાનો પાસે વિવિધ ક્ષેત્રે અનેક તકો રહેલી છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સમયનું ચક્ર બદલાયું છે, હવે ફરી વિશ્વ ભારત સાથે જોડાવા માટેનો રસ્તો શોધી રહ્યું છે. આજે ભારત ૩.૭ ટ્રિલિયન ઈકોનોમીની સાથે વિશ્વની પ નંબરની અર્થવ્યવસ્થા છે અને આગામી વર્ષોમાં ભારત ૩ નંબરની અર્થવ્યવસ્થા બનશે. કવોડમાં સામેલ ભારતનું પશ્ચિમી દેશો સાથે ઈમર્જિંગ ટેકનોલોજી સંબંધિત કોલાબોરેશન થવાના કારણે સેમી કન્ડકટર, ડ્રોન્સ, સ્પેસ, સોલાર, રિન્યુએબલ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે અને તેઓ માને છે કે ભારત એક યુનિક અને નોન–રિપેબલ પાર્ટનર છે તેમ જાણવા મળ્યું છે.’

બિઝનેસ માટે આફ્રિકાએ ભારત માટે પોતાના દ્વાર ખુલ્લા મૂકયા છે. આફ્રિકામાં ભારતીયો માટે બિઝનેસની અનેક તકો રહેલી છે. બિઝનેસમાં વૃદ્ધિ કરવી હોય તો માર્કેટ અને નવી ટેકનોલોજીને પાર્ટનર બનાવવાની હોય છે, ત્યારે ભારત માટે યુરોપ, યુ.એસ., જાપાન અને તાઈવાન ખૂબ જ સારા પાર્ટનર છે. ભારત કન્ઝયુમર દેશ હોવાના કારણે વિશ્વના નેચરલ રિસોર્સિસ પ્રોવાઈડર દેશ રુસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા ઉપર પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતના ઉદ્યોગ સાહસિકોએ ભારતનું સ્થાન જાણવું જોઈએ. સમગ્ર વિશ્વનું માર્કેટ ભારતની પાછળ પડયું છે. 

ભારત રાઈઝિંગની વાત કરીએ ત્યારે દુનિયાને લાગે છે કે, એ જમાનો ગયો જ્યારે ભારતને આપણે ગરીબીની સાથે જોડતા હતા. હાલમાં જે ભારત છે તે ચંદ્રયાન, UPI, 5G, કોવેકિસનનું ભારત છે. વધુમાં તેમણે સુરતના ઉદ્યોગકારોને કહયું હતું કે, બિઝનેસ એટલે દેશની ક્ષમતા અને રોજગાર. એના માટે દેશમાં લોજિસ્ટીક અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહયું છે. ગતિશકિત પ્રોજેકટને કારણે દેશ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં હજી આગળ વધશે.

ફિકકીના ગુજરાત કાઉન્સીલના ચેરમેન રાજીવ ગાંધીએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, આ કોર્પોરેટ સમિટનો હેતુ બિઝનેસ ક્ષેત્રે વિશ્વમાં રહેલી અનેક તકોને ઉજાગર કરવાનો છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત ટેકનોલોજી, ડેમોગ્રાફિક ડિજિવિલિન્સ થકી આગળ વધી રહ્યું છે. દેશમાં સર્વિસ ઈન્ડસ્ટ્રી, મેન્યુફેકચર ઈન્ડસ્ટ્રી અને એક્ષ્પોર્ટ ક્ષેત્રે ઘણી વૃદ્ધિ થઇ રહી છે.

ભારતના માનનીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરના હસ્તે ચેમ્બર ઓફ કોમર્સના મુખપત્ર ‘સમૃદ્ધિ’ મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું. ગૃપ ચેરમેન મનિષ કાપડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ માનનીય વિદેશ મંત્રીનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ફિકકીના ગુજરાત કાઉન્સીલના વાઇસ ચેરમેન નટુભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો અને સુરતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા. ભારતના માનનીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.