Page Views: 15832

પાલમાં દરોડા પાડી ફ્લાઇંગ સ્ક્વોર્ડે રેતી ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો- સ્થાનિક ખાણ ખનિજ વિભાગ ઉંઘતું રહ્યું

તાપી કિનારેથી રેતી ભરેલી બે ટ્રક સહિત જેસીબી મશીન વિગેરે મળીને રૂ.40 લાખનો મુદામાલ કબજે કરાયો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતમાં ખાણ ખનિજ વિભાગના સ્થાનિક અધિકારીઓ તો રેતીચોરો  સામે કોઈ કાર્યવાહી કરી રહ્યાં નથી પરંતુ ફ્લાઈંગ સ્કવોડે શુક્રવારે સાંજે રેતીચોરો સામે કાર્યવાહી કરી છે. સુરતના પાલના કુબેશ્વર મંદિર નજીક તાપી નદીના કિનારા પરથી રાત્રિના સમયે ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ફ્લાઈંગ સ્કવોડને બાતમી મળી હતી. આ બાતમીને પગલે ફ્લાઈંગ સ્કવોડના વડા નરેશ જાનીની સૂચનાથી હિતેશ પટેલ અને વિજય વસાવાએ પાલના કુબેશ્વર મંદિર નજીક તાપી કિનારે દરોડા પાડ્યા હતા. ત્યાંનું દ્રશ્ય જોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા. અહીં જેસીબી મશીનથી તાપીમાંથી રેતી ઉલેચી ટ્રકમાં નાંખવામાં આવી રહી હતી. રેતીચોરોને કોઈનો ડર નહીં હોય તેમ ગેરકાયદે રીતે રેતી ઉલેચી રહ્યાં હતાં. અધિકારીઓએ 1 જેસીબી મશીન, 2 રેતી ભરેલી ટ્રકો સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સુરત જિલ્લા સેવા સદન ખાતે લઈ ગયા હતા. વધુમાં એવી માહિતી મળી હતી કે નાનપુરાનો ભદ્રેશ ભગત રેતીચોરીનો સૂત્રધાર છે. ભગત કોના આશીર્વાદથી રેતીચોરી કરી રહ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. જો કે, આ સમગ્ર ઘટના ક્રમને પગલે સુરતના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ છે તેમના નાક નીચે જ રેતી ચોરી થતી હોવાનો પર્દાફાશ થતા સ્થાનિક અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે.