સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે NEXTGEN ENTREPRENEURS વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું. જેમાં પેનલિસ્ટ સ્પીકર્સ તરીકે મહાવીર સિન્થેસિસ પ્રા.લિ.ના સીએમડી વત્સલ નાયક, લુથરા ગૃપના મેનેજિંગ ડાયરેકટર ધ્રુવ લુથરા અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ હાર્દિક શાહે તેઓની આંત્રપ્રિન્યોરિયલ જર્ની વિશે વાત કરી સુરતના ઉદ્યોગ સાહસિકોને જુદા–જુદા ઉદ્યોગમાં સાહસિકતા કરવા માટે પ્રેરિત કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘NEXTGEN શબ્દ હાલમાં આવ્યો, પરંતુ ભારતમાં પ્રાચીન સમયથી જ રાજા-મહારાજા પોતાના કુમારોને રાજ્યના સુશાસન અંગેના શિક્ષણ માટે ઋષીઓ પાસે મોકલતા હતા. જેથી તેમને નવા સમયમાં નવા પડકારો શું હશે તેની તાલીમ મળતી હતી. બિઝનેસ, પોલિટિક્સ, ઈન્ડસ્ટ્રી, ફેમિલી બિઝનેસના વિકાસને ટકાવી રાખવો અને આગળ ધપાવવો હોય તો નવા વિચાર અને નવી ટેક્નોલોજી સાથે નેક્સ્ટ જનરેશનને આપવી તે કુશળતા જે પરિવારમાં હોય તે બિઝનેસ હંમેશા સફળ થાય છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પરંપરાની સાથે જ ગુણવત્તાના આધારે નેક્સ્ટ જનરેશનને તૈયાર કરવાની બાબત ખૂબ જ મહત્વની છે. વિશ્વની લીડર ટેક કંપનીઓ, ફેસબુક, ગુગલ, માઈક્રોસોફ્ટ કંપનીઓ અને યુરોપમાં કોર્પોરેટ કલ્ચર નિર્માણ થયું છે. જેમાં યોગ્યતાના આધારે લીડરશીપ આપવામાં આવે છે, તે લાંબા સમય માટે સસ્ટેન હોય છે. નવા સમયમાં ધંધા ક્યા-કેવા પ્રકારના આવી રહ્યા છે? તેની માહિતી મેળવી વ્યવસાયને નેક્સ્ટ જેન સુધી લઈ જાય તે મહત્વનું છે.’
વત્સલ નાયકે જણાવ્યું હતું કે, ‘જીવનમાં કેટલીક બાબતોમાં પસંદગી ન હોવી પણ સારું હોય છે. જે મળ્યું છે તેમાં શ્રેષ્ઠ કામ કરવાનું ધ્યેય રાખવો જોઈએ. બિઝનેસમાં ભૂલો થશે તો જ તમે તેમાંથી કંઈક શીખશો. તમે જ્યારે ફેમિલી બિઝનેસને સાચવવાનું શરૂ કરો છો, ત્યારે એ તમારા પર નિર્ભર કરે છે કે, તમે બિઝનેસને કેવી રીતે આગળ વધારશો? પોતાના નામને બ્રાન્ડ બનાવવા કરતાં ઈન્સ્ટીટ્યુટની બ્રાન્ડ ઈમેજ બનાવો, જેથી કાર્યો સરળ થાય. બિઝનેસમાં પડકારો તો આવવાના જ છે પણ મહત્વનું છે કે, તેમાંથી તમે શું શીખ્યા?’ ‘જે સમાજે તમને કંઈક ને કંઈક આપ્યું છે, એ સમાજને પણ મદદરૂપ થવાની ભાવના હંમેશા રાખવી જોઈએ. વિશ્વમાં દરેક સેગમેન્ટમાં એક્ષ્પોર્ટ ક્ષેત્રે ભારતનો ફાળો ૫% ટકાથી વધુ નથી એટલે દરેક સેગમેન્ટમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે તકો રહેલી છે.’તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સીએ હાર્દિક શાહે જણાવ્યું હતું કે, ‘ઈનહેરિટેડ બિઝનેસમાં પરિવારના વડીલ સભ્યોના જેવું વર્તન તમારી પાસેથી રાખવાની અપેક્ષા ગ્રાહકો રાખે છે. ગ્રાહકો અથવા અન્ય લોકો ફેમિલી જનરેશનની તુલના કરે છે, ત્યારે મહત્વનું હોય છે કે, વડીલોના ઓછાયામાંથી બહાર આવીને તમે પોતાની એક અલગ ઈમેજ બનાવો. ફેમિલી બિઝનેસમાં સંસ્થામાં નવી વસ્તુ અમલી બનાવો છો, ત્યારે અનેક પડકારો આવશે એટલે જ પહેલા સ્પષ્ટતા અને ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે વસ્તુને અમલી બનાવવી અને તેની સમજ પરિવાર અને સ્ટાફને આપવી. જ્યારે તમે પોતે શિસ્તમાં રહેશો, ત્યારે જ તમારા ગ્રાહક અને કંપનીનો સ્ટાફ શિસ્તમાં રહેશે.’
કેટલાક લોકો એવું માને છે કે, માત્ર ઓછું ભણેલા જ સક્સેસ થાય પણ વાસ્તવિકતામાં તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે. આવા લોકોની ડાઉનફોલની કહાની વિશ્વ સમક્ષ આવતી નથી અથવા આવી હોય તો પણ તેણે ઈગ્નોર કરવામાં આવે છે. આજનો યુવા હાર્ડવર્ક કરતા સ્માર્ટવર્કમાં વધુ માને છે પણ હાર્ડવર્ક વગર સ્માર્ટવર્ક શક્ય નથી એ વાત તેમને ધ્યાને રાખવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
ધ્રુવ લુથરાએ બિઝનેસમાં પ્રવેશ કરતાં પહેલા પરિવાર દ્વારા આપવામાં આવેલી તાલીમ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘પરિવારમાં નિયમ હતો કે, જ્યારે પરિવારના બાળકો ૧૩ વર્ષના થાય ત્યારે એક પ્રશ્ન પુછવામાં આવે છે કે, ‘પલોગે યાં પાલે જાઓગે’. એના જવાબમાં પલોગે જવાબ આપ્યો અને બસ એ જ દિવસથી મારી તાલીમ શરૂ થઈ હતી. શરૂઆતના દિવસોમાં પરિવાર સાથે એક જ ટ્રેનમાં પરિવારના અન્ય સભ્યોએ એ.સી. કોચમાં અને મેં જનરલ કોચમાં પ્રવાસ કર્યો હતો. એક વાર કરાટે ક્લાસિસની ફી ગુમાવી નાખતા ફી ભરવા માટેના પૈસા ભેગા કરવા પહેલા ક્ષેત્રપાલ દાદાના મંદિરે ભિક્ષા પણ માંગી હતી, પરંતુ ફી જેટલી રકમ ભીક્ષામાં ન મળતા મેજિક શો કરીને પૈસા ભેગા કર્યા હતા.’
બિઝનેસમાં પૈસા માટે કાર્ય કરવાનું છોડીને વેન્ડર, ગ્રાહકો, કર્મચારીઓ માટે કાર્ય કરવું જોઈએ. હંમેશા બિઝનેસ કેવી રીતે કરવાનો તેના વિશે વિચારો. એક વાત ધ્યાને રાખવી કે, બિઝનેસમાં ટેક્નોલોજી, ઈર્ન્ફોમેશન સિસ્ટમ જરૂરી છે જ પણ માણસની જરૂર હંમેશા રહેવાની છે માત્ર લોજીક ચેન્જ કરવાની જરૂર છે. ટીમ મેમ્બર સાથે પરિવારના સભ્યો જેવું વર્તન રાખવું મહત્વનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન મૃણાલ શુક્લએ પેનલ ડિસ્કશનમાં મોડરેટરની ભૂમિકા ભજવી હતી. ચેમ્બરના ગ્રૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ ચેમ્બરના SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ના કો-ઓર્ડિનેટર સંજય પંજાબી, ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શૈલેષ દેસાઈ અને ચેમ્બરના યુથ વિંગના કો-ચેરમેન ઉમંગ શાહે પેનલિસ્ટ સ્પીકર્સનો પરિચય આપ્યો હતો. ત્રણેય પેનલિસ્ટોએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ચેમ્બરની મિશન ૮૪ની કોર કમિટીના
સભ્ય અતુલ પાઠકે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
• Share •