Page Views: 5675

SVPI એરપોર્ટે સર્વાધિક મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ સર્જ્યો ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો

અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા

અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ 

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA)  તાજેતરમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ, 2019-20માં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જોકે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે SVPIAની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.

25મી માર્ચે SVPIAએ ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકાની વૃદ્ધિ સાથે 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા હતા. ગત નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 7% ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.

પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપુર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા કાયાકલ્પ અને કનક્ટીવીટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. SVPI એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવીએશન ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને ટેકો આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાથી મુસાફરોની સગવડમાં વધારો

છેલ્લાં થોડાં વર્ષોમાં SVPIA એ પેસેન્જર અનુભવને સુધારવા કરેલા માળખાગત સુધારાઓમાં નીચેની સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

  • ડિજી યાત્રા: ઝડપી બોર્ડિંગ એક્સેસ માટે ટર્મિનલ 1 (T-1) પર શરૂ કરાયેલ ડિજી યાત્રાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને પીક અવર્સમાં તે ખૂબ ઉપયોગી નીવડે છે.
  • સેલ્ફ-બેગેજ ડ્રોપ: આ સેવા બેગેજ ચેક-ઈનને ઝડપી બનાવી પ્રવાસીઓનો સમય બચાવે છે.
  • પિકઅપ અને ડ્રોપ માટે ખાસ લેન: મુસાફરોની યાત્રા વધુ સરળ બનાવવા આગમન અને પ્રસ્થાન વિસ્તારોમાં સમર્પિત લેન બનાવવામાં આવી છે.
  • ઈ-ગેટ્સની સંખ્યામાં વધારો: મુસાફરોને સિક્યુરીટી ચેક સુધી પહોંચવા સરળ અને મુશ્કેલીમુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા ઈ-ગેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
  • ઉત્કૃષ્ટ બેગેજ સર્વિસીઝ: ટર્મિનલમાં તમામ નવા આગમન હોલ ખાતે બેગેજ રિક્લેમ બેલ્ટમાં પણ ઉમેરો કરે છે.
  • ફોરકોર્ટ વિસ્તરણ અને આગમન પ્લાઝા: ફોરકોર્ટ વિસ્તાર વધુ છૂટક અને ખાણી-પીણીના વિકલ્પો સાથે તમામ નવા અરાઈવલ પ્લાઝા મુસાફરોને લેવા-મૂકવા આવતા પેસેન્જર્સના સંબંધીઓની જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે.

આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું આધુનિકીકરણ અને કનેક્ટિવિટીમાં વૃદ્ધિ

ઇન્ટરનેશનલ ટર્મિનલ (T-2) ના આધુનિકીકણ સાથે મોટા સુધારાઓ કરાયા છે, જેમાં નવા આગમન અને પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તાર સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. તદુપરાંત નીચેના સુધારાઓ કરવામાં આવ્યા છે:

  • ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર ફેસિલિટી: આ સુવિધા અંતર્ગત આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા મુસાફરો માટે સરળતાથી ફ્લાઈટ્સ ટ્રાન્સફર કરી શકે છે.
  • નવો બહોળો સિક્યોરિટી ચેક એરિયા: આ બહોળો વિસ્તાર એક્સ-રે મશીનો તેમજ મુસાફરોની સિક્યોરીટી ચેક લેનમાં પ્રતીક્ષા સમય ઘટાડી સુવિધામાં વધારો કરે છે.
  • રાજકોટ ઇન્ટરસિટી બસ સેવા: આ નવીન સેવા રાજકોટની આસપાસના વિસ્તારોના મુસાફરોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક અનુકૂળ પરિવહન પ્રદાન કરે છે.
  • ગુજરાતાના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ: ગુજરાતની સંસ્કૃતિ અને વારસાના સમૃદ્ધ ઇતિહાસથી ચિતરાયેલા નવા પ્રવેશ અને નિકાસ દરવાજાથી લોકો પ્રભાવિત થયા હતા.

નેટવર્ક વિસ્તરણ માટે ભવિષ્યની યોજનાઓ

આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઇન્સ અને 16 આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુરી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતૂરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.