સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્કમાંથી જાત જામીનની લોન લઇ અને લોનના હપ્તા ભરપાઇ ન કરનારા યુવાન સામે વરાછા બેન્કે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આ કેસમાં બેન્કની રકમ જમા કરાવવામાં અખાડા કરનારા યુવાનને એક વર્ષની કેદની સજા સાથે ચેક રિટર્નની તારીખથી બાકી રકમ ઉપર તેર ટકા વ્યાજ સાથે દંડની રકમ ભરપાઇ કરવા હુકમ કર્યો હતો.
વિગતો અનુસાર, સુરત શહેરની વરાછા કો-ઓપરેટીવ બેન્કની મોટા વરાછા શાખામાંથી ભરત બચુ વેકરીયા નામના યુવાને જાત જામીનની લોન લીધી હતી. લોન લીધા બાદ તેણે બેન્કમાં હપ્તા ભરવાનું બંધ કરીને બેન્કની રકમ ન ચુકવવી હોય એવુ વર્તન કર્યું હતું. વારંવારની ઉઘરાણી પછી પણ વરાછા બેન્કમાં લોનની રકમના હપ્તા જમા ન કરાવનારા ભરત બચુ વેકરીયાના એકાઉન્ટમાં બેન્કે હપ્તાનો ચેક જમા કરાવ્યો હતો. જે નોટ સફિશ્યન્ટ બેલેન્સના શેરા સાથે પરત આવ્યો હતો. જેથી વરાછા બેન્કે પોતાના એડવોકેટ જે એચ વસોયા મારફત ભરત બચુ વસોયાને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ તેની સામે નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે એડવોકેટ જે એચ વસોયાની દલીલો અને રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇને આરોપી ભરત બચુ વેકરીયાને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમજ જે તારીખે ચેક રિટર્ન થયો હતો ત્યારથી લોનની જેટલી રકમ બાકી રહેતી હતી તેના પર 13 ટકા વ્યાજ સાથે રકમનો દંડ ફટકારીને રકમ જમા કરાવવા હુકમ કર્યો હતો. કોર્ટે એવુ પણ જણાવ્યું હતું કે, છ અઠવાડીયામાં રકમ જમા કરાવવાની રહેશે જો આ રકમ જમા કરાવવામાં નિષ્ફળ જશે તો તેને વધુ ત્રણ માસની જેલની સજા થશે.
• Share •