Page Views: 10625

અમદાવાદમાં હોટલ અને ડેરી ઉદ્યોગના મોટા બે ગ્રુપો પર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદમાં 13 પ્રિમાઇસીસમાં હાલમાં સર્ચ સર્વેની કામગીરી ચાલી રહી છે

અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ

માર્ચ એન્ડીંગની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે અમદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારીઓ  દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા બે જૂથો ઉપર  આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના જાણીતા એવી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ગ્રુપ  પર આ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.  અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં બે નંબરી વ્યવહારોની વિગતો સાથે કોમ્પ્યુર હાર્ડ ડિસ્ક અને લેપટોપ સહિતની વાંધા જનક વસ્તુઓ વિભાગના અધિકારીઓને હાથ લાગી છે. જો કે, હાલના તબક્કે કેટલી માત્રામાં બે નંબરી વ્યવહારો હાથ લાગ્યા છે તેની કોઇ વિગતો સામે આવી નથી. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વિગતોની સત્તાવાર રીતે જાહેરાત કાર્યવાહી સંપન્ન થયા બાદ કરવામાં આવશે. હાલમાં તમામ 13 પ્રિમાઇસીસમાં પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.