ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ
જેમનો વિરોધ કરીને વિધાનસભામાં મત ભિક્ષુકો કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા તે પૈકીના કેટલાક કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને હવે પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવેલા આ પાંચેય ધારાસભ્યોને પેટા ચૂંટણીની ટિકીટ આપી છે એટલે હવે આ તમામ જેનો વિરોધ કરીને જીત્યા હતા તેના નામે જ ફરી વખત મત ભિક્ષા માંગવા માટે જશે.
ભાજપે ગુજરાતમાં પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. જેઓ વિપક્ષમાંથી ભાજપમાં આવેલા છે તે તમામને ટિકિટ અપાઈ છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં આ પાંચેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી કરાયા.
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદર) પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.
• Share •