સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના લસકાણામાં આજે વહેલી સવારે મીટર પેટીમાં આગ લાગવાનો કોલ મળતા કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર ઓફીસર અને માર્શલ સહીત જવાનોનો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો.જોકે પાણી લઈને જતું વોટર ટેન્કર રસ્તામાં જ પલ્ટી મારી ગયું હતું.ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં ટેન્કરમાં સવાર ડ્રાઈવર તથા બે માર્શલ ઘાયલ થઇ ગયા હતા.જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર વિભાગાના સૂત્રો પાસેથી મળતી માહિતી આજે સવારે 5.22 મિનિટે સુરત ફાયર કંટ્રોલમાં લસકાણા ગામ વાળીનાથ સોસાયટીમાં મીટર પેટીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો.જેને લઇ કાપોદ્રા ફાયર સ્ટેશન ખાતેથી મીની ફાયર એન્જીન તથા વોટર ટેન્કર સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી. જેમાં ફાયર ઓફિસર કિરણ પટેલ અને માર્શલ સહીત જવાનોનો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો.
આગના કોલ પર જવા માટે રવાના થયેલ ફાયર કાફલાને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ફાયર વિભાગ ટીમ વોટર ટેંક સાથે ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા ત્યારે કાપોદ્રા મહારાણા પ્રતાપ ચોપાટી પાસે સ્પીડ બ્રેકર ઉપર વોટર ટેન્કરના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા જ ફાયર ટેન્કર પલ્ટી મારી ગયું હતું.આ અકસ્માતને કારણે વોટર ટેન્કરમાં સવાર ડ્રાઈવર સંદીપ સિંહ પરમાર તથા માર્શલ ચેતન શઁકર કોંકણી અને કુલદીપસિંહ કાળું ભધોરીયાઓને ઈજાઓ થઇ હતી.જોકે આ ઘટનામાં જાનહાની થતા બચી ગઈ હતી.જ્યારે ઈજાગ્રસ્ત ફાયર કર્મીઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
• Share •