અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ
અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટી ખાતે ઈસરો અને ISG ની ભાગીદારીથી જીઓમેટિક્સ વધારવામાં ઉદ્યોગોની ભૂમિકા અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) અને ઈન્ડિયન સોસાયટી ઓફ જીઓમેટિક્સ - અમદાવાદ ચેપ્ટર (ISG-AC) ના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના વિચારા વ્યક્ત કર્યા હતા. ઔદ્યોગિક ક્ષમતાઓને જીઓમેટિક્સ ટેક્નોલોજી સાથે ઈન્ટીગ્રેટ કરવા તજજ્ઞોએ પોતાના અનુભવો, માર્ગદર્શન અને મંતવ્ય રજૂ કર્યુ હતું. જીઓમેટિક્સમાં ભારતના વિકાસને આગળ ધપાવવા અને ઉદ્યોગોને ઉચ્ચ કુશળ વર્કફોર્સથી સુસજ્જ કરવા ટેક્નોલોજીકલ ઈનોવેશન અત્યંત આવશ્યક છે. SAC-અમદાવાદના નિયામક નિલેશ દેસાઈ, SAC/ISRO ના નાયબ નિયામક ડૉ. નિતંત દુબે તેમજ અદાણી યુનિવર્સિટીના ડૉ. રવિ પી. સિંહે ભારતમાં જીઓમેટિક્સના ભાવિનો માર્ગ મોકળો કરવા અંગે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું.આ વર્કશોપની ખાસ વિશેષતા એ હતી કે તેમાં ISRO-SAC જેવી સરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સુમેળ સાધવા વિશે ભાર મૂકવામાં આવ્યો હતો.
નિલેશ દેસાઈએ ઉદ્ઘાટન સંબોધનમાં સ્પેસ એપ્લીકેશન ટેક્નોલોજી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ એડવાન્સમેન્ટમાં ઈસરોની પ્રશંસનીય યાત્રા અને મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણને ISRO ની ક્ષમતાઓનો પુરાવો ગણાવ્યો. રેલ્વે, કૃષિ સહિત અને વિવિધ માળખાકીય ક્ષેત્રોની દેખરેખમાં અવકાશ તકનીકોના એકીકરણને તેમણે અત્યંત ફાયદાકારક ગણાવ્યું હતું.ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયા બંને ક્ષેત્રોના તજજ્ઞોની રસપ્રદ પેનલ ચર્ચાએ વર્કશોપને સફળ અને સાર્થક બનાવ્યો હતો. ડૉ. રવિ પી. સિંહે તાજેતરના ISRO-SAC, અમદાવાદ ચેપ્ટર સાથે કરાયેલા એમઓયુને અદાણી યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હેન્ડ-ઓન પ્રોજેક્ટ્સ માટે માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યો હતો.ISRO-SAC ની 25 વર્ષ લાંબી સફરની યાદમાં અમદાવાદ ચેપ્ટરની ટીમના વિશેષ સન્માન સાથે આ કાર્યક્રમનું સમાપન થયું. આ વર્કશોપ ભારતમાં જીઓમેટિક્સ ક્ષેત્રે ભાવિ નવીનતાઓ અને વિકાસ માટેનો સાર્થક પ્રયાસ હતો, જેનાથી વિદ્યાર્થીઓને અનેક ફાયદાઓ થશે.
• Share •