Page Views: 4782

કતારગામ આરોગ્ય કેન્દ્ર ખાતે ‘વિશ્વક્ષય દિવસ’ની ઉજવણી

ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રિન્સીપાલશ્રી કિરણ દોમડીયાએ ટી.બી દિવસની ઉજવણીથી સમાજમાં જાગૃતિ સાથે તેને નાબૂદ કરવા અગે માર્ગદર્શન આપ્યુ

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધ્યા હતા. ડો. રોબર્ટની યાદમાં દર વર્ષે આજના દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કતારગામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી મેડીકલ કોલેજના ટી.બી. ડિપાર્ટમેન્ટના હેડ ડો.પારૂલ વડગામાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિશ્વક્ષય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. 

             સરકારી મેડીકલ કોલેજના ટી.બી. ડિપાર્ટમેન્ટના હેડ ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, દેશને ટીબી રોગથી મુકત કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન શરૂ કર્યું છે તેનું લક્ષ્ય ભારતને ૨૦૨૫માં સંપૂર્ણ પણે ટીબી મુકત બનાવવાનું છે. વર્ષ ૨૦૨૪નો વર્લ્ડ ટી.બી. દિવસની થીમ – ‘યસ, વી કેન એન્ડ ટી.બી. અર્થાત હા,અમો ટી.બીનો અંત આણીશું અંતર્ગત સરકારે નિ-ક્ષય પોષણ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ટી.બી.ના દર્દીઓને દર મહિને રૂા.૫૦૦ તેમના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે એમ શ્રી વડગામાએ ઉમેર્યું હતું.                આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતુ કે, સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય (ટીબી) દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે એમ તેમણે જણાવી સમાજમાં ટી.બી. રોગ અંગે જાગૃતિ અને નિયમિત દવાઓ અને પ્રોટીન - વિટામિનયુક્ત આહાર દ્વારા ટી.બી.ને માત આપી શકાય છે. ટી.બી. રોગના લક્ષણો ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે આશા બહેનો તથા આરોગ્યળ કર્મચારીઓ દ્વારા પુછપરછ અને તપાસ કરવામાં આવે છે. ટી.બી.નો કોર્સ અધુરો મુકવાથી ટી.બી. ફરી ઉથલો મારે છે અને પછી એની સારવાર કરવી ખુબ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

            આ અવસરે ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રિન્સીપાલશ્રી કિરણ દોમડીયાએ ટી.બી દિવસની ઉજવણીથી સમાજમાં જાગૃતિ સાથે તેને નાબૂદ કરવા અગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દીના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામુલ્યે કરવામાં આવે છે.              વર્ષ ૨૦૨૪નો વર્લ્ડ ટી.બી. દિવસની થીમ - યસ,વી કેન એન્ડ ટી.બી. અર્થાત હા,અમો ટી.બીનો અંત આણીશું થાય તે થીમ પર આધારીત સમાજમાં ક્ષય રોગને અટકાવવા, સારવાર અને પોષકતત્વો સાથેનો આહાર અને ટી.બીના રસીકરણને સાંકળી લેતી શેરી નાટકનું આયોજન તથા આરોગ્ય વિષયક ટી.બી રોગને સમજવો, અટકાવવો અને પૂર્ણ સારવાર ઔષધ અને આહાર આધારીત પોસ્ટરોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સરકારી મેડીકલ કોલેજના ટી.બી. ડિપાર્ટમેન્ટના હેડ અને વી.એન.એસ.જી.યુના મેનેજમેન્ટ બોર્ડના સદસ્ય ડો.પારૂલ વડગામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.          

          આ પ્રસંગે ક્ષયના દર્દીઓને મહાનુંભાવોના હસ્તે પોષણક્ષમ આહાર કિટનું વિરતણ કરવામાં આવ્યું હતું.                       આ પ્રસંગે કતારગામ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.કમલેશભાઈ, હેલ્થ સેન્ટરના સ્ટાફ, નર્સિંગ વિભાગના પ્રોફેસર, નર્સિંગ ફેકલ્ટીઝ સહિત ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના ચોથા વર્ષના બી.એસસી.નર્સિગ અને જી.એન.એમ.નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.