સુરત:વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને માજી મંત્રી વિનુ મોરડીયાની સિંગણપોર ખાતે આવેલા કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી. ધૂમાડા સાથે આગની જવાળાઓ બહાર નીકળવા લાગતા લોકોની નજર પડી હતી. તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકટોળું સ્થળ પર ભેગું થઈ ગયું હતું. કોઈક હિતેચ્છુએ વિનુ મોરડીયા અને ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરી હતી, તેથી તાત્કાલિક ડભોલી ફાયર બ્રિગેડનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ઓલવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગજનીમાં ધારાસભ્ય વિનુ મોરડીયાના કાર્યાલયમાં મુકેલા ફર્નિચર, કોમ્પ્યુટર, પ્રચાર સામગ્રી સહિતના કાગળો બળીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ફાયર બ્રિગેડ પણ શોર્ટ સર્કિટના લીધે જ આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરી રહી છે. ફાયર ઓફિસરે કહ્યું કે, સવારે ઓફિસ ખોલ્યા બાદ એસી શરૂ કર્યું ત્યારે ધડાકા સાથે આગ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. તેથી કહી શકાય કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે.
• Share •