સુરતમાં મોટી સંખ્યામાં યુપી-બિહારના લોકો વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના માદરેવતન જતા હોય છે. આજે સુરત રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળી સમયે તાપ્તી ગંગા ટ્રેનમાં ચડવા જતા એક મુસાફરનું મોત થયું હતું. જેથી હાલ રેલવે સ્ટેશન પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દિવાળીની ઘટનાને લઈ પોલીસ બંદોબસ્ત
હોળી-ધૂળેટી પર્વને હવે ગણતરીની કલાકો બાકી રહ્યાં છે. ત્યારે સુરતથી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાઈ તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિવાળી પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હાલ અગમચેતી દાખવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા લાઈનમાં લોકોને ઉભા રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
તાપ્તી ગંગા ટ્રેનમાં જવા લોકોની ભારે ભીડ
હોળી-ધૂળેટી પર્વને લઈને સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી, બિહાર સહિતના પરપ્રાંતીય લોકો તહેવાર મનાવવા માદરેવતન જતા હોય છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. સુરતથી ઉપડતી તાપ્તી ગંગા ટ્રેન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકથી લાઈનમાં ઉભા છેઃ મુસાફર
આ અંગે મુસાફર કુંદનસિહએ જણાવ્યું હતું કે, હું ભાગલપુરનો રહેવાસી છું. અમે ગુજરાત આવીને મજૂરીકામ કરીએ છીએ. હાલમાં ટ્રેનમાં જવામાં ખૂબ જ મુશ્કેલીઓ થઇ રહી છે. છેલ્લા 24 કલાકથી લાઈનમાં ઉભા છે, છતાં સીટ મળતી નથી. અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે સુરતથી ભાગલપુરની ડેઈલી ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે.
571 હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છેઃ રેલવે મંત્રી
પશ્ચિમ રેલવે દ્વારા હોળી અને ધૂળેટીના પર્વને લઈ વધારાની ટ્રેનો પણ દડાવવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે, મુસાફરો માટે ટ્રેનમાં અંદાજે 30 લાખ વધુ સીટો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે માટે 571 હોળી ટ્રેન સહિત 1098 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
• Share •