Page Views: 8876

મેટ્રોની કામગીરીને લઈને લોકોની મુશ્કેલી વધી, અઠવાગેટ પર રસ્તા પર કિચડ ફરી વળતા મુશ્કેલી સર્જાઇ

ફાયર બ્રીગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવી કાદવ સાફ કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે. તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી. ચીકણી માટીના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવીને કિચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. સુરતમાં અઠવાગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કિચડ ફરી વળ્યું હતું. રસ્તા પર કિચડ ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક બાઇકો કિચડના કારણે સ્લીપ મારી ગઈ હતી. જેથી નાની મોટી વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.  ઘટનાની જાણ થતા જ મેટ્રોના કર્મચારીઓએ કિચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર કિચડ ફરી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી રસ્તા પર ફરી વળેલું કિચડ સાફ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.