સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતમાં મહાનગર પાલિકાના અનેક દાવાઓ વચ્ચે પણ રખડતા શ્વાનનો આતંક યથાત રહ્યો છે. શ્વાન પર થતી કાર્યવાહી માત્ર કાગળ પર જ થતી હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને શ્વાનોએ બચકાં ભરી લીધા હતાં. એક બાળકને ગાલના ભાગે જ્યારે બીજા બાળકને પગની પીંડિએ શ્વાને બચકા ભરી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એક દિવસમાં બે બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. લિંબાયત મહાપ્રભુ નગરમાં 5 વર્ષીય બાળક પર શ્વાને હૂમલો કર્યો હતો. જ્યારે ડિંડોલીમાં 11 વર્ષીય બાળક પર પણ શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઈર્શાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
11 વર્ષીય વ્રજ લાળ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી બાળકના પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં બન્ને બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે, વધતા શ્વાનોના હુમલાથી પાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.
• Share •