Page Views: 6906

નકલી કાંડ મુદો ઉઠાવનારા કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

બાકી રહેલા કોંગ્રેસના નેતાઓએ સ્વેચ્છાએ ગૃહનો ત્યાગ કર્યો

ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ

ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉભા કરી અને તેના  જવાબો માંગ્યા હતા, જેમાં ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગી ધારાસભ્યોએ હોબાળો મચાવતા ઉભી થયેલી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે  સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા હતા. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં રાજ્ય સરકાર વિવિધ પ્રશ્નોના જવાબો આપી રહી છે  ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે  'નકલીકાંડ'નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા.  આ મુદ્દા બાદ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ કોંગ્રેસના બાકીના નેતાઓ અને ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી હતી. જો કે, વિધાનસભાના શિયાળુ સત્રમાં આ પ્રકારે હોબાળો મચાવનારા કોંગ્રેસના ધારાસભ્યોને માત્ર એક દિવસ માટે જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય સ્પિકર દ્વારા લેવામાં આવ્યો હતો. જેના કારણે આવતી કાલથી ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો પુનઃ પ્રવેશ કરી શકશે.