Page Views: 4990

નાફકેબનાં ડિરેક્ટર તરીકે કાનજી ભાલાળા ચૂંટાયા

નાફકેબનાં બોર્ડ માટેની ચૂંટણીમાં કો-ઓપરેટીવ બેંક્સ ના ડિરેક્ટર્સ માં ગુજરાતના બે પ્રતિનિધી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ અને ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ના પ્રતિનિધિ તરીકે ગુજરાતના ગૌતમ વ્યાસ અને કાનજીભાઈ ભાલાળા ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. ભારતની ૧૫૧૪ અર્બન કો-ઓપરેટીવ બેંકો અને પચાસ હજારથી વધુ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નાફકેબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટેની ચૂંટણી યોજાઈ હતી. દેશભરના સહકારી બેંકોના સંગઠનો અને ક્રેડિટ સોસાયટીઓ માંથી ડિરેક્ટર્સની ચૂંટણી બિનહરીફ થઈ હતી. ૧૯ ડિરેક્ટરોના બોર્ડમાં દેશની અર્બન કો-ઓપરેટીવ બેંકર્સના પ્રતિનિધિઓ માટે ૭ બેઠકો હોય છે. ૭ બેઠકો માટે ૯ ઉમેદવારોએ ઉમેદવારી કરતા ચૂંટણી યોજવી પડી હતી.

નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા (NCUI), ન્યુ દિલ્હી ખાતે તારીખ ૧૨/୦૨/૨୦૨૪ ના રોજ મતદાન યોજાયું હતું. તે જ દિવસે મતગણના થતા મહારાષ્ટ્રમાંથી બે, કર્ણાટકમાંથી બે, આંધ્ર પ્રદેશમાંથી એક અને ગુજરાતમાંથી બે પ્રતિનિધિઓ ડિરેક્ટર તરીકે વિજેતા થયા છે. બારડોલી નાગરિક સહકારી બેંકના શ્રી ગૌતમભાઈ વ્યાસ અને વરાછા કો-ઓપરેટીવ બેંકના શ્રી કાનજીભાઈ ભાલાળા નાફકેબમાં હવે અર્બન કો-ઓપરેટીવ બેંકનું પાંચ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરશે.

સહકારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીશ્રી કાનજીભાઈ ભાલાળા અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વરાછા કો. ઓપ. બેંક સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ તથા સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાર્ય કરે છે. શ્રી કાનજીભાઈ દક્ષિણ ગુજરાતની બેંક ફેડરેશન (સ્કોબા) ના ઉપપ્રમુખ છે તથા ગુજરાત બેંક ફેડરેશનના ડિરેક્ટર તરીકે હાલ કાર્યરત છે. વરાછા બેંક સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા નાફકેબના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હોવાથી વરાછા બેંક પરિવાર અભિનંદન પાઠવે છે. હવે રાષ્ટ્રીય કક્ષાના સહકારી બેંકોના ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે ત્યારે રાષ્ટ્રીયકક્ષા સ્તરે તેમના બહોળા અનુભવનો લાભ સમગ્ર રાષ્ટ્રને થવા પામશે જે સહકારી જગત માટે આનંદ અને ગૌરવની વાત છે.