Page Views: 3233

ચેમ્બર દ્વારા ‘બિઝનેસને બ્રાન્ડીંગ દ્વારા કેવી રીતે વધારી શકાય? તે અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યુ

પ્રોડકટના બ્રાન્ડીંગ માટે એડવર્ટાઇઝીંગમાં બાયર્સને આપણે શું બતાવી રહયા છે તે અંગે સેલ્ફ રેગ્યુલેશન હોવું જરૂરી છે અને તેનાથી લોકો પર શું અસર પડશે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ : પ્રખ્યાત એડ ગુરુ અભિનેતા અને દિગ્દર્શક ભરત દાભોળકર

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા Entrepreneurs Forum Gateway for the next orbit અંતર્ગત તેનો પ્રથમ અધ્યાય ગુરૂવાર, તા. ૮ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. આ ફોરમની રચના આવતીકાલની Entrpreneaurshipની સજ્જતા કેળવવાના ભાગ રૂપે પ્રતિમાસ એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ દ્વારા થશે. જેના ભાગ રૂપે ‘આપના બિઝનેસને બ્રાન્ડિંગ દ્વારા કેવી રીતે વધારી શકાય?’ એ વિષય પર પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તાઓ તરીકે પ્રખ્યાત એડ ગુરુ અભિનેતા, દિગ્દર્શક અને લેખક ભરત દાભોળકર અને ICT/UDCTની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ડો. દીપા ભાજેકરે ઉદ્યોગ સાહસિકોને પ્રોડકટની બ્રાન્ડીંગ માટે તેમજ બિઝનેસની સફળતા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે ઉદ્યોગ સાહસિકો સમક્ષ બ્રાન્ડ અને બ્રાન્ડિંગની વાત કરતા જણાવ્યું હતું કે, ‘તમારી બ્રાન્ડ એ છે કે જ્યારે તમે તેઓની સામે ન હોવ ત્યારે લોકો તમારા વિશે શું કહે છે. બ્રાન્ડ એ એક વચન છે અને સારી બ્રાન્ડ વચન પાળવામાં માને છે. એવું કહેવાય છે કે, જો લોકો તમને પસંદ કરે છે તો તેઓ તમારી વાત સાંભળશે, પરંતુ જો તેઓ તમારા પર વિશ્વાસ કરશે, તો તેઓ તમારી સાથે વેપાર કરશે. ભારતમાં એક અનુમાન મુજબ, વર્ષ ર૦ર૦ સુધીમાં અંદાજે ર૩.પ૧ લાખ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, જે ગત બે વર્ષમાં વાર્ષિક ધોરણે ૪.પ લાખ નવા વધે છે. આ વાર્ષિક ટ્રેડમાર્ક અરજીઓમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી આવે છે, બીજા નંબરે દિલ્હી છે અને ત્રીજા નંબરે ગુજરાતમાંથી અરજીઓ આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ટોપ પ૦ બ્રાન્ડ્‌સનું સંયુક્ત બજાર મૂલ્ય આશરે રૂપિયા ૮.૩ લાખ કરોડ છે. તેમણે ઉદ્યોગ સાહસિકોને વિશ્વમાં પ્રખ્યાત બને તેવી સુરતની વિવિધ પ્રોડકટને બ્રાન્ડ બનાવવા અનુરોધ કર્યો હતો.એડ ગુરૂ અભિનેતા, દિગ્દર્શક અને લેખક ભરત દાભોળકરે જણાવ્યું હતું કે, બિઝનેસની સફળતા માટે પ્રોડકટમાં દમ હોવો જોઇએ. એક જ પ્રકારની પ્રોડકટનું ઘણા બધા ઉત્પાદકો ઉત્પાદન કરતા હોય છે પણ તમારી પ્રોડકટ યુનિક હોવી જોઇએ, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને ક્રિએટીવ બનવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાયર્સના માઇન્ડમાં તમે શું નાંખો છો અને તેઓની સાથે કેવી રીતે કોમ્યુનિકેટ કરો છો તે સૌથી મહત્વનું છે.

બ્રાન્ડીંગ માટે એડવર્ટાઇઝીંગ એ કોમર્શિયલ આર્ટ છે. એડવર્ટાઇઝીંગ થકી જે પ્રોડકટ બાયર્સને વેચવાના છે એવા બાયર્સ ગૃપની માનસિકતા જોવી જરૂરી છે. તેમણે ઉદ્યોગ સાહસિકોને સેલ્સ અને માર્કેટીંગ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ પ્રોડકટની બ્રાન્ડીંગ માટે સારા આઇડિયા જરૂરી છે. પ્રોડકટની બ્રાન્ડીંગ માટે બાયર્સના માઇન્ડથી વિચારવું જોઇએ. તેમણે જુદી–જુદી પ્રોડકટના દાખલાઓ આપીને એકદમ સરળ દેખાતી પણ મિનીંગફુલ એડવર્ટાઇઝીંગ કેવી રીતે કરી શકાય? તેની સમજણ આપી હતી.

ભરત દાભોળકરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોડકટના બ્રાન્ડીંગ માટે એડવર્ટાઇઝીંગમાં બાયર્સને આપણે શું બતાવી રહયા છે તે અંગે સેલ્ફ રેગ્યુલેશન હોવું જરૂરી છે અને તેનાથી લોકો પર શું અસર પડશે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. વધુમાં તેમણે પોતાની સેલ્ફ ઓટો રિક્ષા વિશે પણ ઉદ્યોગ સાહસિકોને વાત કરી હતી. 

ડો. દીપા ભાજેકરે ગુજરાતને ઉદ્યોગ સાહસિકોની ધરતી ગણાવતાં કહ્યું હતું કે, ગુજરાતીઓના લોહીમાં જ બિઝનેસ હોય છે. ગુજરાતની પ્રજા નોકરી કરવા કરતા પોતાના બિઝનેસ થકી હજારો લોકોને રોજગારી આપવાનું પસંદ કરે છે, એટલે જ ગુજરાત એ ઉદ્યોગ સાહસિકોની ધરતી છે. બિઝનેસમાં સફળ થવા માટે હિંમત, સાહસ, ધીરજ અને પરિશ્રમ સૌથી મહત્વના પરિબળો છે. જેમના વિના બિઝનેસમાં સફળતા મેળવવી અશકય છે. તેમણે પોતાના સંબોધન દરમ્યાન બિઝનેસ અને જીવનની કેટલીક ઘટનાઓથી ઉદ્યોગ સાહસિકોને અવગત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જરૂરી નથી કે માત્ર સારા ઈન્ફ્રાસ્ટ્રકચર થકી તમે બિઝનેસમાં સફળતા મેળવી શકો છો. બિઝનેસમાં સફળ થવા માટે જરૂરી છે કે, દરેક ગ્રાહક સાથે સંબંધો સાચવીને રાખો. એડર્વટાઈઝિંગ થકી બ્રાન્ડિંગ કરવા કરતા કસ્ટમર થકી થતી બ્રાન્ડિંગ વધુ સારી હોય છે, આંત્રપ્રિન્યોર્સે બિઝનેસમાં શું ચાલે છે? તે નહીં પણ શું નથી ચાલતું? શું ચાલી શકે છે? તે અંગે જાણવું જોઇએ અને તે અંગે સંશોધન કરવું જોઈએ.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, ગૃપ ચેરમેન કમલેશ ગજેરા, પૂર્વ માનદ્‌ ખજાનચી તેમજ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શૈલેષ દેસાઇ, પૂર્વ પ્રમુખો તથા ઉદ્યોગપતિઓ મનહર સાસપરા અને અનિલ અગ્રવાલ તેમજ ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ હાજર રહયા હતા. મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની એસબીસી કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇ અને પબ્લીક રિલેશન્સ કમિટીના સભ્ય રાજેશ મહેતાએ વકતાઓના પરિચય આપ્યા હતા. બિઝનેસ તથા બ્રાન્ડીંગ સંબંધિત ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના બંને વકતાઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.