Page Views: 5067

સચિનમાં 8નો ભોગ લેનાર એથર ઇન્ડસ્ટ્રીઝ આગ દુર્ઘટનામાં ફોરેન્સીક રિપોર્ટ સિવાયની તપાસ પુર્ણ

કોના ઇશારે ફોરેન્સીક રિપોર્ટમાં વિલંબ થઇ રહ્યો છે તેની ચર્ચાએ જોર પકડ્યુ

સુરત-વર્તમાન ન્યઝ.કોમ

સચીન જીઆઇડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝ લિ.માં લાગેલી ભયાનક આગમાં આઠ કર્મચારીના મોત નિપજયા છે. અને ૨૭ જેટલા સારવાર હેઠળ છે. આ ઘટના કેવી રીતે બની અને કારણ શુ છે ? તે જાણવા માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા જીપીસીબી, પાલિકાના ફાયર વિભાગ, સચીન જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેકટર, એફએસએલ અને ઇલેકટ્રીક અને ફેકટરી ઇન્સ્પેકટરની એક સંયુકત ટીમ બનાવીને તપાસ સોંપાઇ હતી. આ ટીમમાંથી એફએસએલ સિવાય તમામ ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ સંપન્ન થઇ ગયા પછી પણ કોઇ અગમ્ય કારણોસર ફોરેન્સીક તપાસનો રિપોર્ટ હજુ સુધી સબમીટ કરવામાં આવ્યો નથી. આ વિલંબ પાછળ રાજકીય દબાણ જવાબદાર હોવાનું પણ શહેરના ઉદ્યોગકારોમાં ચર્ચાઇ રહ્યુ છે. જો કે, ફોરેન્સીક તપાસનો રિપોર્ટ આવ્યા પછી જ સમગ્ર ઘટના કઇ રીતે બની તેની વિગતો સામે આવશે એવુ કહેવાય છે.  સુત્રોના જણાવ્યા મુજબ એફએસએલ દ્વારા ઘટના સ્થળેથી સેમ્પલો લઇને તપાસની કામગીરી પૂર્ણ કરી દીધી હોવા છતા હજુ સુધી કયા કારણોસર આગ લાગી હતી. અને આગના કારણ સહિતના પ્રાથમિક કે સંપુર્ણ રિપોર્ટ કમિટી સમક્ષ રજુ કરાયા નથી. જેથી એફએસએલના રિપોર્ટ કેટલા સમયમાં કલેકટર સમક્ષ રજૂ થાય છે તેના પર મીટ મંડાયેલી છે. હાલના તબક્કે તો આ રિપોર્ટ ક્યારે સબમીટ થાય છે એ જોવાનું રહે છે.