Page Views: 9269

લાલભાઇ સ્ટેડિયમ પર લિજેન્ડ ક્રિકેટર સાથે સેલ્ફી લેવા યુવાન પહોંચ્યો- સુરક્ષામાં ગાબડા

ખાનગી સિક્યુરીટી એજન્સીની વ્યવસ્થા સામે સવાલ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત શહેરના પીપલોદ ખાતે આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ખાનગી એજન્સી દ્વારા લિજેન્ડ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે. આ લીગની પહેલી મેચ ગઈકાલે તા. 5 ડિસેમ્બરની રાત્રિએ મોહમ્મદ કૈફ અને સુરેશ રૈનાની ટીમો અર્બન રાઈઝર્સ હૈદરાબાદ તેમજ મણીપાલ ટાઈગર્સ વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં સુરક્ષામાં ભારે ચૂક થઈ હતી. એક ચાહક સેલ્ફી લેવાના ઈરાદે ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી ગયો હતો, જેના લીધે ભારે હંગામો મચી ગયો હતો. તાત્કાલિક યુવકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ સિક્યુરિટી સ્ટાફે યુવકને તમાચો મારી દીધો હતો. જે સમગ્ર ઘટના વીડીયોમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ  થતા લીગના આયોજકોની વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે.  ઘટના બાદ યુવકને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કેટલાંક મીડિયાકર્મી યુવકનો ઈન્ટરવ્યૂ લેવા દોડી ગયા હતા ત્યારે સિક્યુરિટી સ્ટાફે મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હોવાનો વીડિયોમાં જોઈ શકાય છે.

સુરક્ષાકર્મીઓએ યુવાનને બહાર લઈ આવ્યા બાદ ક્રિકેટ મેનેજમેન્ટની ટીમના સિક્યુરિટી સ્ટાફના સભ્ય દ્વારા યુવકને તમાચો મારવામાં આવ્યો હતો. પોતે સુરક્ષા ન કરી શક્યા અને તે ઉજાગર થઈ જતાં કવરેજ કરતા મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવી લેવાનો પ્રયાસ કરાયો હતો. યુવક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લાલભાઈ સ્ટેડિયમની કમિટીએ પણ આ બાબતને ધ્યાને લીધી છે. આ બાબતે ખાનગી એજન્સી સાથે ચર્ચા કરી વ્યવસ્થા વધુ સુઘડ બનાવવાની દિશામાં કમિટીએ કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સ્ટાર ખેલાડીઓ રમતા હોય ત્યારે સુરક્ષામાં ચૂક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં લિજેન્ડ લિગ ક્રિકેટનું આયોજન કરાયું છે. આ લિગ તા. 5, 6, 7 અને 9 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ લિગમાં ક્રિસ ગેઈલ, સ્મિથ, હરભજન સિંહ, મોહમ્મદ કૈફ, સુરેશ રૈના જેવા ઈન્ટરનેશનલ પ્લેયર્સ રમવા પધાર્યા છે, ત્યારે સુરક્ષામાં ચૂક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ખાનગી એજન્સી દ્વારા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાની ચર્ચા ઉઠી છે.