સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરમાં દિવાળીના દિવસે મોડી રાતથી જ લોકોએ ફટાકડા ફોડીને રોશનીના પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી. જો કે, ઉત્સાહના અતિરેકમાં આવીને કેટલાય સ્થળે લોકોએ સામ સામે ફટાકડા ફેંકીને દિવાળી ઉજવી હતી જેના કારણે અન્ય લોકોને પરેશાનીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. આ સિવાય શહેરમાં અલગ અલગ 88 સ્થળો પર ફટાકડાને કારણે આગ લાગતા ફાયરના લાશ્કરો રાતભર દોડતા રહ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે મથામણ કરતા રહ્યા હતા.
ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી ઊંચી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગી હતી. તે ઉપરાંત અલથાણની રઘુવીર ઈન્ફોનિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રાદેરના ઉગત રોડ પર ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. દિવાળીની રાત્રિ દરમિયાન કુલ 88 જેટલાં આગજનીના બનાવ બન્યા હતા, જેના લીધે આખી રાત ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું.
પાલ રોડ પર આરટીઓની સામે નવનિર્માણાધીન રહેણાંક એપાર્ટમેન્ટ કાસા રિવેરાના એન્ટ્રેસ ગેટની ઉપર મોડી રાત્રે આગ લાગી હતી. હાલ આ બિલ્ડિંગમાં કોઈ રહેવા આવ્યું નથી. આ બિલ્ડિંગની સામે આરટીઓ રોડ પર મોટી સંખ્યામાં મોડી રાત્રિ સુધી લોકો ફટાકડા ફોડતા હોય છે, તેથી કોઈ ફટાકડાના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. કોલ મળતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવી હતી.અલથાણ-કેનાલ રોડ પર આવેલા રઘુવીર ઇન્ફોનિયા નામની બિલ્ડિંગના 11 માં માળે અચાનક એક ફ્લેટમાં આગ લાગતા સોસાયટીના લોકો ભયના માર્યા બિલ્ડીંગ નીચે દોડી ગયા હતા. આગ લાગવા પાછળ આતશબાજી હોવાનું કારણ સામે આવ્યું છે. આ આગમાં ફલેટના હોલ અને બે બેડરૂમ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરના જવાનોએ મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે જણાવ્યુ હતું કે ઘટના લગભગ 10:40 ની હતી. બિલ્ડિંગના 11 માળે આગ લાગી હોવાનો કોલ મળતા જ વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરાઈ હતી. જવાનોએ ફાયર સામગ્રી સાથે દાદર ચઢી 11 માળે પહોંચ્યા હતા. હોલ અને બેડ રૂમમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ફાયર ઓફિસર દવેએ જણાવ્યું હતું કે આગ ભીષણ હતી. લોકો દોડી ને દાદર ઉતરી રહ્યા હતા. જોકે સમયસર સ્થળ પર પહોંચી જતા હોલ અને બે બેડરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આગ લાગવા પાછળ આતશબાજી હોવાનુ પ્રાથમિક કારણ કહી શકાય છે. આગમાં લાખોનું ફર્નિચર સહિતની સામગ્રી બળી ગઈ હતી.
પાલમાં સામસામે ફટાકડા ફેંકી દિવાળી ઉજવવાનું દુષણ
વર્ષોથી સુરત ડુમસ રોડ પર જાહેરમાં એક બીજા પર ફટાકડા ફોડવાનું ન્યુસન્સ હતું તે વિસ્તરીને હવે પાલ-હજીરા રોડ પર શરૂ થયું છે. ગઈકાલે દિવાળીની રાત્રીએ પાલ આરટીઓ રોડ પર સેંકડો લોકો દિવાળીની ઉજવણી માટે ભેગા થયા હતા. પરંતુ કેટલાક લોકોએ એક બીજા સામે રોકેટ ફોડવાનું શરુ કરવા સાથે રોડની વચ્ચે માં આતશબાજી ફોડવાનું શરુ કરતાં ઉજવણી માટે આવેલા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોની આવી ટીખળ અનેક લોકો માટે આફત બની ગઈ હતી જેના કારણે આ પ્રકારનું ન્યુસન્સ બંધ કરવા માટે લોકો માગણી કરી રહ્યાં છે.
• Share •