Page Views: 5820

સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનની પ્રથમ નિમંત્રણ પત્રિકા મુખ્યમંત્રીને આપવામાં આવી

ભવ્યાતિ ભવ્ય સમારોહનું આયોજન કરાશે- સમગ્ર વિશ્વમાંથી હીરા ઉદ્યોગના અગ્રણીઓ સુરતના આંગણે આવશે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત શહેરના ખજોદ ખાતે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સના ઉદધાટનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. હીરા ઉદ્યોગના મોટા ભાગની તમામ અગ્રણી કંપનીઓ મુંબઇ ખાતેથી પોતાનો કારોબાર સુરતમાં શિફ્ટ કરી રહી છે અને આગામી ડિસેમ્બર માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થવાનો છે. ત્યારે આજે સોમવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે સુરત ડાયમંડ બુર્સ એકલા સુરતનું જ નહીં પણ ગુજરાત અને દેશ માટે ગૌરવપ્રદ નજરાણું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે સુરત ડાયમંડ બુર્સની ઇમારત અને તેની સંચાલન વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીઓએ પણ સુરત ડાયમંડ બુર્સની ભવ્યતાને ભારોભાર વખાણી હતી. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લખાણી સહિત અગ્રણી દિનેશભાઇ નાવડિયા, મથુરભાઇ સવાણી, લાલજીભાઇ ઉગામેડીવાળા સહિતના અગ્રણીઓએ   આગામી તા.17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનારા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમારોહની પહેલી આમંત્રણ પત્રિકા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આપી હતી. આ ઉદઘાટન સમારોહને ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે તેમજ સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના આગમનથી એક નવી જ દિશા મળશે.