Page Views: 4310

સુરતમાં વ્યાજખોર યુવાને પોલીસ કોન્સ્ટેબલને કચડી મારવાનો પ્રયાસ કર્યો

માત્ર દસ હજાર રૂપિયા લઇને વ્યાજ વટાવનો ધંધો શરૂ કરનારા દેવરાજે ચાર દિવસ પહેલા જ કાર લીધી હતી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતમાં વાહન ચેકીંગ માટે જાહર રોડ પર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલને વ્યાજખોર યુવાને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસી ટીવી ફુટેજ સામે આવ્યા છે અને પોલીસે આ વ્યાજખોર યુવાન સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. 

કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, દિવાળીના તહેવારો હોવાથી શહેરના કતારગામ અલકાપુરી બ્રીજ નીચે કતારગામ પોલીસનો કાફલો વાહન ચેકિંગમાં ઉભો હતો ત્યારે નંબર પ્લેટ વગરની એક કારના ચાલક દેવરાજ બઢીયાએ પોતાની કાર થોભાવી ન હતી. જેથી કતારગામ પોલીસ સ્ટેશનના લોક રક્ષક ગૌતમ જોષીએ રોડ વચ્ચે ઉભા રહીને તેને કાર અટકાવવા કહ્યું હતું પરંતુ દેવરાજ બાઢીયાએ પોતાની કાર પુરપાટ ઝડપે ભગાવી મુકી હતી જો કે, ગૌતમ જોષી કારના બોનેટ પર ચડી ગયા હતા અને દેવરાજને કાર રોકવા માટે કહ્યું હતું. તેમ છતા દેવરાજે પોતાની કાર અટકાવી ન હતી અને ગૌતમ જોષીને ત્રણસો મીટર સુધી બોનેટ પર ઘસડી ગયો હતો. અન્ય પોલીસ કર્મચારીઓએ કાર ચાલક દેવરાજનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે દેવરાજને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે. પોલીસને દેવરાજે એવુ જણાવ્યું હતું કે, તેણે સોળ વર્ષની ઉમરે ઘરમાંથી દસ હજાર રૂપિયા લઇને વ્યાજ વટાવનો ધંધો શરૂ કર્યો હતો. હાલમાં પણ તે શહેરમાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરે છે અને તેણે ચાર દિવસ પહેલા જ કાર ખરીદી હતી અને તેની નંબર પ્લેટ ઉતારીને એપ્લાય ફોર જીસ્ટ્રેશન એવુ સ્ટીકર મારીને તે શહેરમાં ફરતો હતો. હાલમાં કતારગામ પોલીસે દેવરાજ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.