અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ
અમદાવાદ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા ચાર મોટા બિલ્ડર જુથને ટાર્ગેટ બનાવીને તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના અધિકારીઓ સાથે સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોના ઇન્કમટેક્સ અધિકારીઓ કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાં જોડાયા છે. બિલ્ડર જુથને ત્યાં દરોડા પડતા અમદાવાદ શહેરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા મદાવાદના જાણીતા એવા અવિરત ગ્રુપ, શ્રીપરમ ગ્રુપ સહિત અન્ય બે બિલ્ડર ગ્રુપને ત્યાં સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ ચારેય બિલ્ડર ગ્રુપની ઓફીસ, ઘર સહિતના 24થી વધુ સ્થળો પર એક સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે અને હાલના તબક્કે તો બિલ્ડરોમાં એવુ ચર્ચાઇ રહ્યું છે કે, આઇટી અધિકારીઓએ બિલ્ડરોની દિવાળી બગાડી નાંખી છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારોની અલગ અલગ ઓફીસોમાં હાલમાં કાર્યવાહી થઇ રહી છે અને વિભાગને મોટા પાયે બે નંબર વ્યવહારોને લગતી વિગતો હાથ લાગવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા ત્રિકમ પટેલ અને અનિલ પટેલ નામના બિલ્ડરની ઓફીસ અને ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરના બે જાણીતા જમીન દલાલોને પણ સકંજામાં લેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કોઇ મોટી જમીનોના વેપાર થયા હોવાની આશંકા સાથે તેમની ઓફીસો અને ઘરે પણ છાપા મારીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં બે નંબરી હિસાબોને લગતી વિગતો હાથ લાગવાની સંભાવના છે.
• Share •