Page Views: 4379

કતારગામમાં બે માળનું એમ્બ્રોઇડરી યુનિટ ધડાકા ભેર તુટી પડ્યું - સદ નસીબે જાનહાની ટળી

વર્ષોથી ખખડધજ હાલતમાં બિલ્ડીંગ હોવા છતા એમ્બ્રોઇડરીના ભારેખમ મશીનો ધમધમતા હતા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત શહેરના કતારગામ જીઆઇડીસી ખાતે એક ખખડધજ એમ્બ્રોઇડરી યુનિટ અચાનક ધડાકાભેર તુટી પડ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, કારીગરો સમયસર બહાર દોડી આવતા જાનહાની ટળી હતી. 

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ જીઆઇડીસી ખાતે હનુમાન મંદિર નજીક એક પ્લોટમાં બે માળ પર એમ્બ્રોઇડરી યુનિટ આવેલા હતા. આ બન્ને માળ પર એમ્બ્રોઇડરીના મશીન ચાલુ હતા ત્યારે અચાનક જ આ ખખડધજ બિલ્ડીંગના બન્ને માળની છતમાંથી કોપડા ખરવા લાગ્યા હતા અને ગણતરીની સેકન્ડોમાં જ આ એમ્બ્રોઇડરી યુનિટ ધરાશાયી થઇ ગયું હતું. આ સમયે એમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરતા કારીગરો સમય સૂચકતા વાપરી અને બિલ્ડીંગમાંથી બહાર દોડી આવ્યા હતા અને તેના કારણે જાનહાની થતા અટકી હતી. આ બિલ્ડીંગ પડ્યું ત્યારે બન્ને માળ પર કુલ છ વ્યક્તિઓ હાજર હતા પરંતુ તેઓ ભૂકંપ આવ્યો હોવાનું માનીને બહાર દોડી આવ્યા હતા જેના કારણે કોઇને પણ ઇજા થઇ ન હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. ફાયરના લાશ્કરોએ તુરંત ઘટના સ્થળ પર દોડી જઇને કાંટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગના બન્ને માળ એમ્બ્રોઇડરી યુનિટ ચલાવવા માટે ભાડેથી આપવામાં આવ્યા હતા અને બિલ્ડીંગ પડી જવાથી મશીનરી સહિત કાપડના જથ્થાનું નુકસાન થયું છે.