Page Views: 2320

ચેમ્બરના સ્ટાર્ટ-અપ સમિટના ત્રણ દિવસ દરમિયાન દેશના વિવિધ શહેરોમાંથી 16,800 લોકોએ સમિટની મુલાકાત લીધી

ર્ટ-અપ સમિટ-૨૦૨૪ આગામી ઓક્ટોબર મહિનામાં થશે- ચેમ્બર ઉપ પ્રમુખ વિજય મેવાવાલા

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૭, ૨૮ અને ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમિયાન પ્લેટિનમ હોલ, સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેક્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત સ્ટાર્ટ-અપ સમિટ- ૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર્ટ-અપ સમિટ થકી વિવિધ ઈનોવેટીવ પ્રોડક્ટ અને સેવાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટાર્ટ-અપ સમિટના ત્રણ દિવસ દરમિયાન દેશના વિવિધ શહેરોમાંથી ૧૬,૮૦૦ જેટલા લોકોએ સમિટની મુલાકાત લીધી હતી.

સ્ટાર્ટ-અપ સમિટના ત્રીજા દિવસે ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ માટે ઉપયોગી એવા વિષયો પર ૬ સેશન યોજાયા હતા. જેમાં ઈન્ડિયા એક્સેલરેટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર મનિન્દર સિંહ બાવાએ ‘હીરા ઉદ્યોગની સમસ્યાને ઉકેલવા માટે બ્લોકચેનનો ઉપયોગ કરવો’ વિષય પર ઉદ્યોગ સાહસિકોને વધુ માહિતી આપી હતી. ત્યાર બાદ ઉદ્યોગ સાહસિકોને રૂમ કંપનીના સંસ્થાપક ઉદય સોઢીએ  ‘રોકાણકારોને શું જોઈએ છે?’ તે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં એક્સ્પોર્ટ અને ગેમિંગમાં રોકાણની તકો વિશે ક્રાફ્ટોન ઈન્ક.ના નિહાંશ ભટ્ટે માહિતી આપી હતી.

સ્ટાર્ટ-અપ સમિટમાં રોકાણકારોને સંપર્ક કેવી રીતે કરવો, ઈન્ફ્લુએન્સર માર્કેટિંગના નવા ટ્રેન્ડસ, સ્ટાર્ટ-અપ માટે બ્રાન્ડ-બ્રાન્ડિંગ જેવા વિષયો પર તજ્જ્ઞો દ્વારા પેનલ ડિસ્ક્શન યોજાયું હતું. ધ ઈન્ડિયા નેટવર્કના સંસ્થાપક રાહુલ નાર્વેકરે ઉદ્યોગને સ્ટાર્ટિંગથી લઈ સ્કેલિંગ સુધી લઈ જવા માટેના વિવિધ પાસાંઓની માહિતી ઉદ્યોગ સાહસિકોને આપી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમિટના સમાપન પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્ટાર્ટ-અપ સમિટ થકી ઉદ્યોગ સાહસિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે સ્ટાર્ટ-અપ સમિટ-૨૦૨૪ આગામી ઓક્ટોબર મહિનામાં થશે તેવી જાહેરાત કરી હતી અને મોટાપાયા પર આ સમિટનું આયોજન કરવા માટે કર્ટન રેઝર કર્યું હતું.’

સ્ટાર્ટ-અપ કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સ્ટાર્ટ-અપ સમિટમાં સ્ટોલ ધરાવતા દરેક ઉદ્યોગ સાહસિકને સારું ઈન્વેસ્ટમેન્ટ મળ્યું છે. આ સમિટ દરમિયાન સુરતમાંથી કુલ ૮૦૦થી વધુ રોકાણકારોએ રોકાણ કરવાની તૈયારી બતાવી છે. સાથે જ તમામ સ્ટોલ ધારકોને મળી કુલ ૧૨ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરવાની રોકાણકારોએ બાંહેધરી આપી હતી. સમિટમાં સ્ટોલ ધારકો તેમના સ્ટાર્ટ-અપને મળેલા પ્રોત્સાહનથી અત્યંત ખુશ હતા. સમિટ થકી ઉદ્યોગ સાહસિકોને નવું બળ, નવા વિચારો મળ્યા છે. જેથી આગામી સમયમાં સ્ટાર્ટ-અપના ક્ષેત્રે વધુ ક્ષમતા અને નવા વિચારો સાથે ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો ભારતીય અને વૈશ્વિક માર્કેટમાં પ્રવેશ કરશે.’

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીની સાથે જ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા ગ્રૃપ ચેરમેન નિરવ માંડલેવાલા, બિજલ જરીવાલા, સંજય પંજાબી, નિલેશ ગજેરા, પરેશ લાઠિયા વગેરેએ પ્રાસંગિક વિધીઓ કરી હતી. પુનિત ગજેરા, અમિત શાહ અને સ્ટાર્ટ-અપ કમિટીના સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજન કરવા મહેનત કરી હતી.