રાજકોટ-વર્તમાન ન્યૂઝ.કોમ
સાળંગપુર હનુમાન પ્રતિમાનો વિવાદ વકર્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વાણી વિલાસ કરવાનું હજુ પણ ચાલુ રાખવામાં આવ્યુ છે. જેના કારણે સનાતન ધર્મના સંતો અને મહંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ જસદણના સ્વામિનારાયણ સાધુ નિરંજન સ્વામિએ ભગવાન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ સનાતનીઓમાં રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ પામી ગયેલા સ્વામીએ માફી માંગી છે પરંતુ આ વિવાદ હજુ વધુ વકરે એવુ લાગી રહ્યું છે.
જસદણ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ બે દિવસ પહેલા સભામાં હિન્દુ દેવતાઓને લઈ નિવેદન આપ્યું હતું. નિરંજન સ્વામીએ સભામાં નિવેદન આપ્યું હતું કે, ગુરૂ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમનાં દર્શન માટે જુરતા હોય છે. એમનાં દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. એમનાં ઉપર ચંદન ફૂલોની વર્ષા કરે છે. આ નિવેદન બાદ વિરોધ વધતાં તેમણે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, આવેશમાં આવી કંઈ પણ બોલ્યો હોઉં તો માફી માંગુ છું. દેવી દેવતાઓ માટે કંઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું.
સનાતન ધર્મના સંતોમાં રોષ ફાટી નીકળ્યોઆ નિવેદન બાદ સનાતન ધર્મના સંતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યોર્તિનાથ મહારાજે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કરવામાં આવેલો બફાટ યોગ્ય નથી. બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં સ્વામીઓ દ્વારા અપાતા આડેઘડ નિવેદનો સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો તેમજ આ પ્રવૃત્તિ તાકીદે બંધ થવી જોઇએ એવી પણ સંતોએ ચીમકી આપી હતી.
• Share •