સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા એક પરિવારના સાત સભ્યોએ સામુહીક આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ઘરના મુખ્ય વ્યક્તિએ પરિવારના સભ્યોને ઝેર આપ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીઘી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. ઘરમાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરતના પાલનપુર પાટીયા સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ઇન્ટીરીયર ડિઝાઇનર તરીકે કામ કરતા શાંતનુભાઇ નામના વ્યક્તિએ પોતાની પત્ની રેશ્માબેન અને ત્રણ બાળકો કાવ્યા, ત્રિશા અને કૃષાલ સહિત માતા શોભાબેન અને પિતા કનુભાઇને ઝેર આપ્યું હતું. ત્યાર બાદ શાંતનુ ભાઇએ પણ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ સામુહીક આત્મહત્યા પાછળનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસને જે સ્યુસાઇડ નોટ મળી છે તેમાં શાંતનુભાઇને કોઇ પાસેથી ઉછીના આપેલા રૂપિયા લેવાના હતા તે પરત ન આવતા હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું લખવામાં આવ્યાનું કહેવાય છે. હાલમાં પોલીસે શાંતનુભાઇને કોની પાસેથી રૂપિયા લેવાના હતા તેની તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ સિવાય અન્ય કોઇ કારણ પણ આ સામુહીક આત્મહત્યા માટે જવાબદાર છે કે કેમ તેની પણ પોલીસ સ્થાનિક લેવલ પર તપાસ કરી રહી છે.
• Share •