સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ અને સુરત જરી એન્ડ થ્રેડ એસોસીએશનના સેક્રેટરી મહેન્દ્ર ઝડફીયા સહિતના પ્રતિનિધિ મંડળે ગુરૂવાર, તા. ર૧ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના નાણાં મંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના સંયુકત સચિવ લીમાતુલા યાદેન (IRS) અને નાયબ સચિવ અમરિતા ટાઇટસ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉપરોકત બંને સચિવો સમક્ષ સુરતના જરી ઉદ્યોગકારોની મુંઝવણ વિષે ચર્ચા કરી હતી. તેમણે કયા પ્રકારની ઇમિટેશન જરી ઉપર ૧ર ટકા અને અન્ય કયા પ્રકારની જરી ઉપર પ ટકા જીએસટી દર લાગે છે તે અંગે ખુલાસો કરવા માટે સચિવોને અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે સચિવોએ ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, ગત જુલાઇ ર૦ર૩માં જીએસટી કાઉન્સીલની મળેલી પ૦મી મિટીંગ બાદ નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની ઇમિટેશન જરી પર જીએસટી દર પ ટકા જ લાગે છે તેમ ખુલાસો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના જરી ઉદ્યોગકારો ઘણા લાંબા સમયથી ઇમિટેશન જરી પર જીએસટી દર અંગે મુંઝવણ અનુભવતા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સમક્ષ બંને સચિવો દ્વારા કરવામાં આવેલા ખુલાસાને પગલે સુરતના જરી ઉદ્યોગકારોને ઘણી મોટી રાહત થઇ છે. ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ હાર્દિક શાહ, સુરત સીજીએસટી કમિશ્નર તથા ગુજરાત સરકારના જીએસટી વિભાગને આ સંદર્ભે રજૂઆત કરવા માટે ઘણા મદદરૂપ થયા હતા.
• Share •