Page Views: 3537

અડાજણના કલાપી ગાર્ડનમાં દુષીત પાણી ઠાલવાતા એક હજારથી વધુ માછલીઓ મરી ગઇ

ગાર્ડનમાં વોકિંગ માટે આવતા લોકોએ માછલીના મોતનો વિડીયો સીધો પાલિકા કમિશનરને મોકલતા રાંદેર ઝોનના અધિકારીઓ દોડ્યા- તળાવમાં પાણી ભરવાનો કોન્ટ્રાક્ટ લેનારની બેદરકારી હોવાની વાત

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતના અડાજણ ગામ ખાતે આવેલા કલાપી લેક ગાર્ડનમાં હજારથી વધારે માછલીઓ દુષીત પાણીને કારમે મરી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે તળાવમાં પાણી ભરવાનો કોન્ટ્રાક્ટ લેનારની બેદરકારી સામે આવવાની સંભાવના છે અને હાલમાં પાલિકા દ્વારા તળાવના પાણીના સેમ્પલ લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. 

અડાજણ સ્થિત કલાપી તળાવનું પાણી વર્ષોથી દુર્ગંધ મારતું અને લીલ જામી ગયેલુ જોવા મળે છે. આ તળાવમાં કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ઠાલવવામાં આવતું હોવનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે મંગળવારે સાંજે વોક માટે આવતા લોકોએ તળાવમાં મોટા ભાગની માછલીઓ મરીને કિનારે આવી ગયેલી જોતા સ્થાનિક લોકોએ મરેલી માછલીઓનો વિડીયો બનાવીને સીધો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને મોકલ્યો હતો. બીજી તરફ કાગડાઓ પણ મોટી સંખ્યામાં માછલીઓની મીઝબાની માણવા આવી ચડ્યા હતા અને મોટી સંખ્યામાં કાગડાઓએ કાગારોળ કર્યો હતો. આસપાસના વિસ્તારમાં દુષીત પાણી અને મરેલી માછલીઓની દુર્ગંધ ફેલાતા લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તળાવમાં અચાનક હજારો માછલીઓ મરી ગયાની જાણ રાંદેર ઝોનના અધિકારીઓને થતા તેઓ સફાઇ કામદારો સાથે દોડી આવ્યા હતા. અડાજણ કલાપી ગાર્ડનમાં એક સાથે એક હજારથી વધારે માછલીઓના મોત થયા હોવાથી પાલિકાના અધિકારીઓએ તળાવના પાણીના સેમ્પલ લીધા છે તેમજ માછલીઓના મોત ક્યા કારણોસર થયા છે તેની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનામાં અડાજણ કલાપી ગાર્ડનમાં પાણી ભરવાનો કોન્ટ્રાક્ટ લેનારા ઠેકેદારની જ બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ એવુ પણ જણાવ્યું છે કે, ઠેકેદારે તરસાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોઇ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર તળાવમાં પાણી ઠાલવતા તળાવની તમામ માછલીઓ મોતને ભેટી છે.