સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
પૂરી શ્રદ્ધા-ઉત્સાહ અને જોશ સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે.ત્યારે લોકોને અને રાષ્ટ્રને નુકશાન ન થાય તેની કાળજી સાથે મંડપમા લોકજાગૃતિ અને લોકઉપયોગી કાર્યો થાય તે માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે લોકોને જાહેર વિનંતી કરી છે. દરેક ગણેશ મંડપે સાંજે આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે લોકોને જાહેર અનુરોધ કર્યો છે.
આઝાદીની લડતમાં અંગ્રેજોએ સભા અને સરધસ ઉપર પ્રતિબંધ મુક્યા તથા અંગ્રેજી અમલદારોની કનડગત વધી ત્યારે લોકમાન્ય બાળ ગંગાધર તિલકજી એ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ નો પ્રારંભ કર્યો હતો. ગણેશ ઉત્સવનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા તથા લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનો હતો. હવે આપણે પણ લોકોને મુશ્કેલીઓ, પ્રશ્ન અને પડકારો માટે જાગૃત કરવા તથા તેને મદદરૂપ માટે પ્રયાસ કરીએ તો ખરા અર્થમાં ઉત્સવ બનશે.
સમગ્ર ગુજરાતમાં આયોજન અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સુરત પ્રથમ છે. સુરત ગણેશ ઉત્સવ આયોજન સમિતિએ ખુબ સરહાનીય પ્રયાસ સાથે ગણેશઉત્સવ આયોજકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં રામાયણ-મહાભારતના વિષય ઉપર પ્રવચનો યોજવા, વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજવી, બાળકો માટે ખાસ કાર્યક્રમો રાખવા વગેરે માટે અનુરોધ કર્યો છે. તેમને બિરદાવવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ગણેશઉત્સવ સમિતિ ને લોક ઉપયોગી અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે. સમિતિએ આપેલી સુચના મુજબ ગણેશઉત્સવમાં એકત્ર થયેલ ફંડ માંથી ગરીબ વિદ્યાર્થીઓને ભણવા માટે મદદ કરવી તથા વિધવા ગરીબ બહેનોને રાશન કીટ વગેરે જેવા ઉમદા પ્રવૃતિઓ કરવા અનુરોધ કર્યો છે. આમ ગણેશઉત્સવ ને ખરા અર્થમાં સામાજિક અને રાષ્ટ્રભક્તિ વ્યકત કરી ઉત્સવ બનાવવાની જરૂર છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે જાહેર વિનંતી કરતા જણાવ્યું છે કે ગણેશ મંડપની થીમ શુશોભનમાં સામાજિક અને રાષ્ટ્રભક્તિની લાગણી વ્યક્ત થાય તેવી રાખવા વિનંતી છે. ઉપરાંત દરરોજ રાત્રે ગણેશજીની આરતી પછી ઉપસ્થિત ભક્તોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યા પછી જ છૂટા પડવું જોઈએ, રાષ્ટ્રગીતના ગાનથી લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગશે. જે ખુબ જ જરૂરી છે. નવી ધબકતી પેઢીમાં સામાજિક અને રાષ્ટ્રીય વિચારના બીજ રોપાય તેવા ભાવથી પ્રવૃત્તિનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવે છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે હંમેશા લોકોને નવા વિચાર આપી સામાજિક જાગૃતિનું કાર્ય કર્યું છે. સમુહલગ્ન સમારોહનું શુભારંભ વિધવા બહેનોના હાથે દિપ પ્રગટાવવી કરવામાં આવે છે. સમૂહલગ્નોત્સ્વ જેવા સામાજિક મેળવડાની શરૂઆત પણ રાષ્ટ્રગીતના ગાન પછી કરવામાં આવે છે. આ જાગૃતિની અસર લોકોના વ્યક્તિગત લગ્નપ્રસંગે પણ જોવા મળે છે. મામેરા ન ભરવા તથા રાત્રે બેસણાવિધિ રાખવાથી લોકોને વધુ સરળતા રહે, આવા અનેક સામાજિક સુધારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજે કર્યો છે. તે જ રીતે ગણેશઉત્સવને સામાજિક પ્રવૃતિનું માધ્યમ બનાવવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
• Share •