Page Views: 16141

તંત્રના પાપે ભરૂચ અંકલેશ્વરમાં પૂર આવ્યુ- બ્રેકીસ રિસર્ચ સેન્ટરે જવાબદારો સામે પગલા ભરવા કરી માંગણી

મધ્ય પ્રદેશમાં પડેલા ધોધમાર વરસાદના આંકડાઓ સેન્ટ્રલ વોટર કમિશન પાસે હતા તેમ છતા કોના માટે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

છેલ્લા બે દિવસથી અંકલેશ્વર અને ભરૂચના લોકો નર્મદા નદીના પૂરના પ્રવાહ વચ્ચે જીવી રહ્યા છે. આ પૂર કોઇ કુદરતી આફત નથી પરંતુ માનવ સર્જીત છે અને નર્મદા સરદાર સરોવર ડેમ ઓથોરીટીના અધિકારીઓની બેદરકારીને કારણે જ આવ્યું હોવાનો આક્ષેપ બ્રેકીસ રિસર્ચ સેન્ટર નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. સંસ્થાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં આંકડાકિય માહિતી સાથે સમગ્ર વિગતો તર્કબધ્ધ રીતે રજૂ કરી છે અને તેમના દ્વારા રજૂ કરાયેલી વિગતોને માનવાને કારણ પણ છે. ખાસ કરીને 17મી તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સરદાર સરોવર ડેમ પર આવીને ડેમને છલોછલ ભરેલો જોઇને પછી દરવાજા ખોલવાનો હુકમ આપે તેની રાહ જોવામાં આવી હતી અને તેના કારણે જ આજે ભરૂચ અંકલેશ્વરના લાખો લોકો પૂરમાં ફસાયા છે. તેમજ હજારો એકર ખેતીની જમીન પર નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે.

રાજ્યમાં વર્ષ 2003થી કામ કરતી બ્રેકકીશ વોટર રિસર્ચ સેન્ટર સંસ્થાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પત્રને ઈમેલ કર્યો છે. આ સંસ્થા દરિયા કિનારે રહેતા લોકોની આજીવિકા માટે, દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે કામ કરે છે. આ સંસ્થાએ મુખ્યમંત્રીને મોકલેલા ઈમેઈલમાં લખ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ સંચાલિત સરદાર સરોવર ડેમના અધિકારીઓને સૌથી મહત્વની અનુમાન અને આંકડાકીય માહિતી સરદાર સરોવર ડેમ માટે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા 17 અને 18 તારીખે આપવામાં આવી હતી. જે મુજબ 33000 ક્યુમેક્સ (11 લાખ ક્યુસેક) પાણીના જથ્થાની જે આગાહી કરાઈ હતી. તેની સામે વાસ્તવિક પીક ઇનફ્લો 63950 ક્યુમેક્સ (22.58 લાખ ક્યુસેક) હતો. જે આગાહી કરતાં લગભગ બમણો જથ્થો ડેમમાં આવ્યો અને તેનાથી ડેમનું સંચાલન બગડી ગયું હતું. આ માટે ગુજરાત સરકારે સેન્ટ્રલ વોટર કમિશનના ખોટા કે ઓછા અનુમાન બાબતેનો મુદ્દો કેન્દ્ર સરકાર સાથે ઉપાડવાની જરૂર છે અને રાજ્ય સરકાર ઉપાડશે તેવી માંગ છે. રૂલ કર્વનું પાલન અધિકારીઓ કોઈપણ જાતની રાજકીય સૂચના વિના સુનિશ્ચિત કરે તે જોવાનું કામ રાજ્ય સરકારનું છે અને તેને ગંભીરતાથી રાજકીય બાબતો અને હસ્તક્ષેપથી પર રાખવા અમારી જાહેરહિતમાં માંગ છે. સરદાર સરોવર નર્મદા નિગમના તમામ ડિરેક્ટરો આ બાબત માટે જવાબદાર છે અને તેમની જવાબદારીમાંથી તેઓ છટકી શકે નહીં. આ પૂર દુર્ઘટના ચોક્કસ ટાળી શકાય એવી હતી એ બાબત નિ:શંક અને નિર્વિવાદ છે એમ સંસ્થાએ પત્રમાં આક્ષેપ કર્યો છે. 

સંસ્થાએ પત્રમાં જણાવ્યુ છે કે,  જો નિગમે 14 તારીખથી આયોજન કર્યું હોત તો આ પાણીનો આવરો મેનેજ કરી શકાયો હોત. નિગમે કોઈ પગલાં લીધા ન હતા અને બેસી રહ્યું હતું. આ પૂર માનવસર્જિત હોવાનું સ્પષ્ટ પણે માની શકાય. નિગમના અધિકારીઓએ આઈએમડીના હવામાન અનુમાન, વરસાદના આંકડાઓ, CWC ના આંકડાઓ, ઉપરવાસમાંથી આવતા ફ્લો પર સતત આ બાબતે નજર રાખી નહીં હોવાનો તથા જરૂરી આગોતરા પગલાં લીધા નથી હોવાનું ઉપલબ્ધ માહિતી આંકડાઓ પરથી દેખાઈ આવે છે. 

બરગી ડેમના દરવાજા ખોલાયા અને વિનાશની શરૂઆત થઇ

સંસ્થા પત્રમાં વધુમાં લખે છે કે, નર્મદા પરના બરગી ડેમના દરવાજા 14 મી સપ્ટેમ્બરે પહેલેથી જ ખોલી દેવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં, નર્મદા પરના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ બંનેના સ્તરમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હતું જે CWC દ્વારા જણાવાયેલ માહિતી છે. ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર બંને ડેમ 15 સપ્ટેમ્બરના રોજ મોડે સુધી તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર) ની નજીક હતા, બર્ડી ડેમ પહેલાથી જ FRL પર પહોંચી ગયો હતો. આ તમામ ઉચ્ચ સ્તરો પણ સ્પષ્ટપણે રૂલ કર્વ લિમિટ કરતાં વધુ ભરાયેલ હતા. તે જોઈ નિગમે કાંઈ જ કર્યું નહીં. સપ્ટેમ્બર 14 અને 15 ના રોજ સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાનું શરૂ કરી દેવું જોઈતુ હતું કેમ કે ઉપરવાસના ડેમ છલોછલ ભરાયેલ હતા અને વધુ પાણીની કુલ આવક એ સરદાર સરોવર ડેમમાંંજ આવક થવાની હતી. આવી જાણકારી હોવા છતાં તેમણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલ્યા નહીં અને બેસી રહ્યા અને ડેમમાં પાણીના જથ્થાની ઊંચાઈ વધારતા રહ્યા. જેથી એક સાથે પાણીનો આવરો આવ્યે તેમણે પાણી છોડવાનો નિર્ણય લેવો પડ્યો જેમાં ભારે તબાહી અને ખાના ખરાબી થઇ છે. આ સમગ્ર ઘટના પાછળ જવાબદારો સામે પગલા ભરવા માટે કોંગ્રેસના અગ્રણી દર્શન નાયકે પણ માંગણી કરી છે.