Page Views: 3689

વડા પ્રધાનના જન્મ દિવસે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાનો અનોખો સંકલ્પ જ્યાં સુધી અંગોનું વેઇટીંગ લિસ્ટ શૂન્ય નહીં થાય ત્યાં સુધી સતત કાર્ય કરાશે

અંગદાનનો નિર્ણય દર્દી બ્રેઇન ડેડ જાહેર થયા બાદ માત્ર પાંચ મિનીટમાં જ લેવાનો હોય છે જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે આવશ્યક

સુરત-વર્તમાન ન્યઝ.કોમ

વિશ્વના અન્ય દેશો કરતા ભારત દેશમાં સૌથી ઓછું અંગદાન થઈ રહ્યું હોય ત્યારે લોકોમાં અંગદાન અંગેની વિચારણા અને જાગૃતિ આવે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી પી સવાણી હોસ્પિટલ દ્રારા પી પી સવાણી હોસ્પિટલ ખાતે અંગદાન એજ મહાદાન અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.  આ અંતર્ગત લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમનો ઉદ્દેશ કોઇ દર્દી બ્રેઇન્ડેડ થાય ત્યારે મગજ મૃત્યુ પામે પણ શરીરના બીજા અવયવો કામ કરી શકે તો એવા સમયે દર્દીનો પરિવાર અંગદાનનો નિર્ણય લઇ શકે એ માટેનો હતો. કાર્યક્રમમાં પી. પી. સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી(બાપુજી), જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના વિપુલ તળાવિયા, ડો ઘનશ્યામ વી. પટેલ (સૂચી હોસ્પિટલ), ડો સિધ્ધાર્થ જૈન (નેફ્રોલોજિસ્ટ), ડો હર્ષિતભાઈ પટેલ (નેફ્રોલોજિસ્ટ), ડો નીલેશભાઈ કાછડીયા (પ્લાસ્ટિક સર્જન), ડો જિતેન્દ્રભાઈ પટોળીયા (પેથોલોજીસ્ટ), ડો જયદીપભાઈ ધામેલિયા (એમડી), ડો નિરવભાઈ ગોંડલિયા (એમડી), ડો નિરવભાઈ સુતરીયા (ન્યુરો ફિઝિશિયન), ડો. હિતેશ ચિત્રોડા (ન્યુરો સર્જન), વલ્લભભાઈ ચોથાણી, અને ડાહ્યાભાઈ ધામેલિયા વિગેગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર ડાયાલિસિસનાં દર્દીઓ જેઓ કીડની ફેઈલ થવાના લીધે જરૂરીયાત મુજબ સમયાંતરે રેગ્યુલર ડાયાલીસીસ કરાવે છે અને તેમના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ડો. નીલેશ કાછાડીયા એ જણાવ્યું હતું કે,  અંગદાન થવાથી, જ્યારે લોકોને નવજીવન મળી રહ્યું હોવાનો આભાસ થવા લાગતા નામના મેળવવાનો ભાવ સેવામાં પરિવર્તિત થયો હતો. કન્યાદાન પછીનું સૌથી મોટું દાન અંગદાન છે. મગજનું મૃત્યુ પામ્યા બાદના માત્ર પાંચ મિનિટના સમયમાં પરિવાર અંગદાન માટે વિચારી લે તો પરીવાર અન્ય લોકોને જીવન બક્ષી શકે છે. જો નિર્ણય લેવામાં ન આવે અને સમય પસાર થઈ જાય તો તેના અંગો પણ કામ નથી આવતા. અંગદાન સમયસર કરવું એ પણ એક કસોટી સમાન છે. અંગદાન એક મહાદાન છે અને વ્યક્તિના મૃત્યુ પછી તેની હાજરી હાજરી પૂરવાનું કામ છે. 

વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે,  જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્રારા એવો સંકલ્પ લેવામાં આવ્યો છે, કે જ્યાં સુધી શરીરના અંગોનું વેઇટિંગ લિસ્ટ શૂન્ય નહી થાય ત્યાં સુધી શહેર અને રાજ્યમાં અંગદાન જાગૃતિ માટેના કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા સતત લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવશે.અભિયાનમાં હાજર લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, પોતે અને તેના પરિવાર, મિત્ર વર્તુળ અને સમાજમાં તથા આસપાસનું કોઈપણ વ્યક્તિ આકસ્મિક રીતે બ્રેઈનડેડ જાહેર થશે તેમના અંગોનું દાન કરવા માટે જણાવીશ, સમજાવી અને પ્રેરિત કરીશ અંગદાન એજ જ જીવનદાન”ની પણ તેમના દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જે અંતર્ગત ૧૮૩ લોકોએ અંગદાન નો સંકલ્પ કર્યો હતો. વિપુલભાઈ તળાવિયાએ કાર્યક્રમના અંતે ડાયાલિસિસ વિભાગના દર્દીઓ અને સ્નેહીજનનો હાજર રહ્યા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમનો અંત રાષ્ટ્રગાનથી કરવામાં આવ્યો હતો. 

જીવનદીપ ઓર્ગન ડોનેશનને ટુંકા સમયગાળામાં જ છ વ્યક્તિના અંગોનું દાન મળ્યું 

સુરત શહેરના કાપોદ્રા ખાતે આવેલી પી પી સવાણી હોસ્પિટલ ખાતે ૨૦૧૩માં વિનામૂલ્યે ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિભાગમાં અત્યાર સુધીમાં ૭૦ હજાર થી વધુ દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઇ ચૂક્યા છે. કિડનીની જરૂરિયાતના દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે. પરંતુ જો કિડની ફેઇલ થઇ હોય એવા દર્દીને ઓર્ગન ડોનેશનના માધ્યમથી કિડની મળે તે આવા દર્દીને ડાયાલિસીસમાંથી મુક્તિ મળી શકે છે.  અંગદાનનો વિચાર પી એમ ગોંડલિયા અને વિપુલભાઈ તળાવિયા સહિતની યુવાટીમને આવ્યો અને તેમના દ્વારા  દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી છે.  સંસ્થા શરૂ થયાના ખુબજ ટુંકા સમયગાળામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા છ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં આવ્યા છે અને આ સંસ્થા ઓર્ગન ફેઇલ્યોર લોકોને નવજીવન આપવાનું માધ્યમ બની છે.