Page Views: 7715

ઉકાઇ ડેમ ભય જનક સપાટી નજીક 343.55 ફુટ પર - ડેમમાંથી હાલમાં 2 લાખ 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે

હાલમાં ડેમમાં 2 લાખ 62 હજાર 799 ક્યુસેક પાણી આવી રહ્યુ છે- સુરતમાં કોઝવેની સપાટી 10.95 મીટર- કોઝવેનો આઉટ ફ્લો 3.99 લાખ ક્યુસેક

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

ઉકાઇ ડેમના ઉપરવાસમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં  છેલ્લા એક સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તાપી નદી પરના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ઉકાઇ ડેમથી ઉપરવાસમાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ છે અને હથનુર ડેમ ભય જનક સપાટી વટાવી જતા તેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. આજ રોજ મંગળવારે સવારે દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે હાલમાં ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 62 હજાર 799 ક્યુસેક પાણી આવી રહ્યુ છે અને ઉકાઇ ડેમની સપાટી 343.55 ફુટ પર પહોંચી છે હવે ઉકાઇ ડેમ તેની ભય જનક સપાટી 345 ફુટ કરતા માત્ર 1.45 ફુટ જ દૂર હોવાથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. હાલમાં ઉકાઇ ડેમમાંથી 2 લાખ 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે જેના કારણે આમલી ડેમ, કાકરાપાર વિયર અને સુરત ખાતે વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઇ ગયા છે. સુરત શહેરમાં હાલમાં તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઉપરવાસના વરસાદને કારણે હાલમાં ઉકાઇ ડેમ ડેન્જર લેવલ પર પહોંચ્યો છે અને તેના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થવા સાથે તકેદારીના પગલા ભરી રહ્યુ છે. ઉકાઇ ડેમથી નીચાણવાળા વિસ્તારના 100થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથો સાથ ઇમર્જન્સી ઉભી થાય તો એનડીઆરએફની ટીમોને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં સુરત શહેર કે અન્ય કોઇ પણ સ્થળે પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના નથી. પરંતુ લોકોને ખોટી અફવાઓથી દૂર રહી અને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉકાઇ ડેમની સ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવા સાથે તેની સપાટીને મેઇન્ટેન કરવામાં આવી રહી છે હાલમાં પૂરનો કોઇ ખતરો ન હોવાનું પણ જણાવાયું છે.

સુરતમાં કોઝવે 10.95 મીટરથી ઓવર ફ્લો 

સુરતમાં તાપી નદી ખાતે આવેલા સિંગણપોર વિયર કમ કોઝવેની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે મંગળવાર તા.18.9.2023ના રોજ સવારે દસ વાગ્યાના સુમારે વિયર કમ કોઝવેની સપાટી 10.95 મીટર પર પહોંચતા કોઝવે ઓવર ફ્લો થઇ ગયો છે અને તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેમાંથી હાલમાં 3 લાખ 99 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઇ રહ્યુ છે.