Page Views: 6213

રખડતા ઢોર મુદે ફરિયાદ કરનારનું નામ પશુ પાલકોને આપી દેનારા અધિકારીઓ સામે પગલા ભરવા કુમાર કાનાણીની માંગણી

અધિકારીઓ જ પશુપાલકોને માહિતી આપી દેતા હોવાનો આરોપ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રખડતા ઢોરોના મુદે ફરિયાદ કરનારનું નામ પશુ પાલકોને આપી દેવાના મુદે કમિશનરને પત્ર લખ્યો છે અને આ પ્રકારની કાર્યવાહી ન થાય એની તકેદારી રાખવા માંગણી કરી છે. તેમજ આવા અધિકારીઓ સામે પગલા ભરવાની પણ માંગણી કરી છે.  ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યુ છે કે, વરાછા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રખડતા ઢોરની ફરિયાદ કરતા ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેનાર અધિકારી સામે કડક પગલા લેવા માંગ કરી છે. વરાછા ધરમનગર રોડ પર આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સેંકડો લોકો સવારે 5 વાગ્યાથી ચાલવા માટે આવે છે, પરંતુ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર રખડતા ઢોર પણ અંદર રખડતા હોય છે. જેના કારણે એક જાગૃત નાગરિકે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. મોર્નિંગ કરતા લોકોને જો રખડતા ઢોર અડફેટે લઈ અને કોઈને ઈજા થાય તો તેના માટે જવાબદાર કોણ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન ફરિયાદ કરાતા કોર્પોરેશનના અધિકારી દ્વારા પશુપાલકને તેના નામ સાથેની વિગત આપી દેવામાં આવી હતી. જે ખૂબ જ ગંભીર બાબત છે. કોઈપણ ફરિયાદ મળે તો તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવી જોઈએ, તેના બદલે આ અધિકારીઓ પશુપાલકોના સીધા સંપર્કમાં રહીને એમના ઢોર ન પકડાય તેના માટે તો પ્રયાસ કરતા હોય એવુ લાગી રહ્યુ છે.