Page Views: 8855

જોગમાયા ખોડિયાર માતા વિશે વિવાદાસ્પદ નિવેદન આપી રૂમમાં ભરાઇ ગયેલા બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ માફી માંગી

માતાજી વિશે એલફેલ બોલનારા સ્વામિનારાયણ સાધુ સામે પટેલ સમાજ સહિતના સમાજોમાં રોષ ફેલાયો છે

વડતાલ-વર્તમાન ન્યૂઝ.કોમ

સાળંગપુર હનુમાન મંદિર વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે મનઘડત નિવેદનો આપી રહ્યા છે ત્યારે  વડતાલ ગાદીના બ્રહ્મસ્વરૂપદાસે  જોગમાયા ખોડિયાર માતાજી પર નિવેદન આપતાં મામલો વધુ બિચક્યો હતો અને ભક્તો તેમજ સનાતની સંતોમાં રોષ ફેલાયો હતો. સ્વામીનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેઓ ખુદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. અનુષ્ઠાનમાં બેઠા હોવાનું કહીને રૂમમાં ભરાઇ ગયા બાદ  તેમણે પોતાના નિવેદનને લઈને માફી માંગી છે. બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે,  શ્રી ખોડિયાર માતાજી અને એમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડિયાર માતાજીનાં મંદિરો, સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનુ કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી ખંડન કરવાનો નહોતો છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી સાથે હાથ જોડીને ક્ષમાયાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું.

બ્રહ્મસ્વરૂપદાસે અગાઉ નિવેદન આપ્યું હતું કે, ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા છે. સ્વામીએ નિવેદન કર્યા બાદ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો અને રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી હતી

બ્રહ્મસ્વરૂપદાસના આ નિવેદન બાદ ચારેબાજુ રોષ ભભૂક્યો અને સંતો તથા ભક્તોએ તેમની સામે કાર્યવાહી કરવા સુધીની ચર્ચાઓ કરી હતી. સ્વામીના આ બફાટને લઈને ખોડલધામથી અવાજ ઊઠ્યો હતો અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવા સ્વામીને અપીલ કરવામાં આવી હતી.