સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના કડોદરા ખાતે રહેતા એક વિદ્યાર્થીનું અપહરણ કરી અને તેના પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે પોલીસને જાણ કરી હતી પરંતુ અપહરણકારોએ બાળકની હત્યા કરીને તેની લાશને કામરેજ ઉંભેળની સીમમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ હત્યારાઓ પલાયન થઇ ગયા હતા. પોલીસે આ કેસમાં બે બાળ કિશોર આરોપી સહિત માસ્ટર માઇન્ડ મોનુ યાદવને ઝડપી પાડ્યા છે.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા.8મી સપ્ટેમ્બરના રોજ કડોદરા નજીક આવેલા સીએનજી સ્ટેશન પાસેથી ટ્યુશનમાં જઇ રહેલા એક વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરાયા બાદ પ્રથમ આ બાળકના પિતા પાસે રૂપિયા 50 હજાર ખંડણી માંગવામાં આવી હતી. ત્યાર બાદ રૂપિયા પંદર લાખની ખંડણી માંગીને એવી ધમકી આપવામાં આવી હતી કે, જો આ મામલે પોલીસને જાણ કરશો તો તમારા બાળકની હત્યા કરી નાંખીશુ. બાળકના માતા પિતાએ આ મામલે કડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો જેની જાણ અપહરણકારોને થતા તેમણે બાળકની હત્યા કરીને તેની લાશને કામરેજ ઉંભેળની સીમમાં ફેંકી દીધી હતી. બાળકની હત્યા થઇ ગઇ હોવાથી પોલીસે અપહરણ કમ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. પ્રથમ પોલીસે અમરોલી વિસ્તારમાંથી ઉમંગ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો તેની તપાસમાં આ અપહરણ કમ હત્યા કેસમાં બિહારના છપરા ખાતે રહેતા મોનુ અને સોનુ યાદવ અને તેના સાગરીઓએ અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. જેથી અપહરણ કમ હત્યા કેસના આરોપીઓને ઝડપવા માટે સુરત જિલ્લા પોલીસની ટીમ બિહારના છપરા ખાતે ગઇ હતી જ્યાંથી પોલીસે મોનુ સહિત બે બાળ કિશોર આરોપીને ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસ આરોપીઓને લઇને બિહારથી સુરત આવવા રવાના થઇ છે. આરોપીએને સુરત લવાયા બાદ તેમની તપાસમાં આ સમગ્ર પ્રકરણની વધુ વિગતો સામે આવશે.
• Share •