Page Views: 3929

સુરતમાં સગીર બાળકીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ

દિવાળીના વેકેશનમાં સૌરાષ્ટ્રમાં ગયેલી સુરતની સગીરાને સાગર ભુપત ચૌહાણે પ્રેમજાળમાં ફસાવી મોબાઇલમાં બિભત્સ ફોટા પાડી બ્લેક મેઇલ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી સગીરા પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાના વતન સૌરાષ્ટ્રમાં ગઇ હતી. જ્યાં એક યુવાને આ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા સૌરાષ્ટ્રમાંથી આ પરિવાર જ્યારે સુરતમાં આવ્યો ત્યારે સુરતમાં આવીને પણ સગીરાના ભાઇને મારી નાંખવાની ધમકી આપી તેનું શારિરીક શોષણ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ દિપેશ દવે અને વિથ પ્રોસીક્યુશન એડવોકેટ દિલીપ કમાણીની દલીલો અને રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથો સાથ ભોગ બનનાર સગીરાને વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો. 

વિગતો અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારની એક સોસાયટીમાં રહેતો પરિવાર વર્ષ 2020માં દિવાળીની રજાઓમાં સૌરાષ્ટ્રમાં પોતાના વતન ગયો હતો. જ્યાં ગમમાં રહેતા યુવાન સાગર ભૂપત ચૌહાણને આ પરિવાર સાથે ઘરોબો હોવાથી તે તેના ઘરે આવતો જતો રહેતો હતો. સાગર ચૌહાણ સાથે સગીરા પણ નિર્દોષ ભાવે વાત કરતી હતી. દરમિયાન એક દિવસ સાગર ચૌહાણે સગીરાને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને કંઇ કામ હોય તો ફોન કરજે એવુ કહી તેને પોતાની જાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. થોડા દિવસમાં જ સગીરાને ફેસ બુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરીને સાગર તેની સાથે ચેટીંગ કરવા લાગ્યો હતો. બાદમાં સગીરા પોતાના ઘરેથી દરણું દળાવવા માટે બહાર નીકળી ત્યારે તેને એકાંતમાં દરણું દળવાની ઘંટી નજીક ખેંચી જઇ તેની સાથે જબરજસ્તી કરીને તેના ફોટા મોબાઇલ ફોનમાં પાડી લીધા હતા તેમજ તેણી પર બળાત્કાર ગુજારીને ધમકી આપી હતી કે, જો તે એ બાબતે તેના પરિવારમાં કોઇને કંઇ પણ કહેશે તો તેના ભાઇને મારી નાંખીશ. સગીરા આ ઘટના બાદ ગભરાઇ ગઇ હતી અને સાગરને તાબે થઇ ગઇ હતી. ગામથી જ્યારે આ પરિવાર સુરતમાં આવી ગયો ત્યારે પણ સાગર ચૌહાણ તેનો પીછો કરીને સુરતમાં આવ્યો હતો અને તેના ઘરે જઇને પણ સગીરાનું શારિરીક શોષણ કર્યું હતું. વારંવાર સગીરા પર બળાત્કાર ગુજારનાર સાગર ચૌહાણના કરતુતોનો સગીરાના પરિવારને ખ્યાલ આવતા તેમણે આબરૂ જવાના ડરથી સાગરને આવુ કૃત્ય નહીં કરવા સમજાવ્યો હતો. જો કે, સાગર ચૌહાણ દાદાગીરી કરવા સાથે સગીરાને પરેશાન કરતો હતો. આખરે સગીરાના પિતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં સાગર ભૂપત ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આ કેસમાં સરકાર તરફે એડવોકેટ દિપેશ દવે હાજર રહ્યા હતા જ્યારે વિથ પ્રોસીક્યુશન એડવોકેટ દિલીપ કમાણી ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ અને બન્ને એડવોકેટની દલીલો સહિત સગીરાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોપી સાગર ભૂપત ચૌહાણને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથો સાથ કોર્ટે આરોપી સાગરને 50 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ભોગ બનનારને રૂ.45 હજાર વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો તેમજ રાજ્યની ભોગ બનનારને વળતર માટેની યોજના વર્ષ 2019 હેઠળ રૂ.25 હજાર વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.