સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંના એક એવા હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને અલગ ઓળખ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. GJEPC એ માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષને રજૂઆત કરી છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને સમાવવામાં આવે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની અસાધારણ પ્રતિભાઓને સશક્ત બનાવવા અને તેમને માન્યતા આપવા માટે બનાવવામાં આવી છે. જ્યારે સુવર્ણકારોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોને તેમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ અંતરને દૂર કરવા તેમજ રત્ન કલાકારોના મહત્વને ઓળખીને, GJEPCના સમિતિના સભ્ય દિનેશ નાવડિયા સહિત જીજેઈપીસીના પ્રતિનિધિઓએ માનનીય મંત્રી શ્રીમતી ની મુલાકાત લીધી હતી. પ્રતિનિધીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો કામ કરે છે. આ ઉદ્યોગ અંદાજે આઠ લાખથી વધારે કારીગરોને રોજગારી આપે છે, હીરાની નિકાસ થકી મોટી માત્રામાં હુંડીયામણ દેશને મળે છે અને તેનો અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો છે.
GJEPC ની રજૂઆતના સંદર્ભે શ્રીમતી. જરદોષે પરિસ્થિતિની ઊંડી સમજણ દર્શાવી અને તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. માનનીય મંત્રીનું આ સક્રિય પગલું વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની વિવિધ કૌશલ્યો અને પ્રતિભાઓને ઓળખવા, તેમના કલ્યાણ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા હોવાનું દર્શાવે છે.
આ નિર્ણય રત્ન કલાકારોના ભવિષ્યને સશક્ત બનાવશે - વિજય માંગુકિયા, રીઝનલ ચેરમેન ગુજરાત, GJEPC
કારીગરો એ ભારતના સમૃદ્ધ વારસાની કરોડરજ્જુ છે, અને અમે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં હીરા ઉદ્યોગને સમાવવાના મહત્વને ઓળખવા બદલ તેમના ઝડપી પ્રતિસાદ માટે પ્રશંસા કરીએ છીએ. આ પગલું માત્ર આઠ લાખથી વધુ લોકોના ભવિષ્યને સશક્ત બનાવે છે. કુશળ કારીગરો પણ આપણા રાષ્ટ્રની ઉત્કૃષ્ટ હીરાની કારીગરીનો વારસો સાચવવાનો માર્ગ મોકળો કરે છે.
• Share •