Page Views: 4017

સુરતમાં ઇટાલિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં આગ- ત્રણ દર્દીને બચાવાયા

મધરાત બાદ આગ લાગતા ત્રણ ફાયર સ્ટેશનના લાશ્કરો દોડી ગયા, સદ નસીબે કોઇને પણ ઇજા કે જાનહાની નથી થઇ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરના મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલી એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં શોટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આગને કારણે સમગ્ર હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી હતી. જો કે, આ સમયે હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીને સલામત રીતે બચાવીને બહાર કાઢી લેવાયા હતા અને ફાયરના લાશ્કરોએ તુરંત દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના લાશ્કરો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરતના મોટા વરાછા સુદામચોક ખાતે પ્લેટીનિયમ પોઈન્ટના ચોથા માળે આવેલી ઇટાલિયા મલ્ટિ-સ્પેશ્યાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં એક મશીનમાં રાતે આગ ભભૂકી હતી. આગને કારણે હોસ્પિટલનો સ્ટાફ ગભરાઇ ગયો હતો તેમજ સ્થાનિક લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોટા વરાછા સહિત કાપોદ્રા અને કોસાડના ફાયર બ્રિગેડના લાશ્કરોને ફાયર ફાઇટરો સાથે દોડાવવામાં આવ્યા હતા. આગને કારણે હોસ્પિટલમાં કેટલોક સર સામાન બળી ગયો હતો. જો કે, સમય સૂચકતા વાપરી અને હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હોવાથી કોઇને પણ ઇજા કે જાનહાની થઇ નથી. ફાયરના લાશ્કરોએ સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.