Page Views: 7264

વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર અને પટાવાળો રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

પુણા ગામમાં બે રૂમનું બાંધકામ નહીં તોડવા મકાન માલિક પાસે રૂ.50 હજારની લાંચ પહેલા માંગી હતી, બાદમાં રક્ઝકના અંતે રૂ.35 હજાર લેવા જતા એસીબીએ દબોચ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત મહાનગર પાલિકાના વહીવટમાં અધિકારીઓ અને કર્મચારીઓ પૈસા લીધા વગર કામ જ ન કરતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે ત્યારે સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગનો જુનિયર ઇજનેર અને તેનો પટાવાળો રૂપિયા 35 હજારની લાંચ લેવા જતા ઝડપાયા હતા. પુણા વિસ્તારમાં એક રહીશે પોતાના ધાબા પર બાંધેલા બે રૂમ ગેરકાયદેસર હોવાનું કહીને તેમની પાસેથી લાંચ પેટે રૂપિયા માંગ્યા હતા. 

સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.તે ગેરકાયદેસર હોય તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા નહીં હોય તો લાંચ પેટે રૂ.50 હજારની માંગણી કરી હતી. મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા. જોકે, આ અંગે મકાન માલિકે સુરત એસીબીમાં ફરિયાદ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે એ ગત મોડીસાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું.

 છટકા મુજબ જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમને રંગેહાથ ઝડપી પાડી પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.