Page Views: 6332

સુરતના નવા મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડીંગ ચેરમેન રાજન પટેલ

દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠી

સુરત-વર્તમાન ન્યઝ.કોમ 

સુરત મહાનગર પાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલાની ટર્મ પુરી થયા બાદ તેમના સ્થાને નવા મેયર સહિત સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને ડેપ્યુટી મેયર જેવી મહત્વની પોસ્ટ પર આજે પક્ષના આદેશ પ્રમાણે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વરાછાના કોર્પોરેટર દક્ષેશ માવાણીને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, પક્ષના દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલા અને શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે. આ તમામ હોદેદારોએ આજે વિધીવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર મુળ સુરતીઓ અને સૌરાષ્ટ્ર વાસીઓ વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અન્ય હોદાઓ પર મુળ સુરતી સાથે પર પ્રાંતિય મતદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મુળ સુરતીઓની વાત કરીએ તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ અને પક્ષના દંડકનું પદ તેમના ભાગમાં આવ્યુ છે. આ સિવાયના તમામ હોદાઓ મતદારોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ રાજન પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટોને કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આવા સંજોગોમાં સુરતમાં જે રૂટ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને ઝડપથી સમય મર્યાદામાં પુર્ણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને કોટ વિસ્તાર અને કાપોદ્રા તેમજ ભટાર વિસ્તારમાં મેટ્રોની કામગીરીથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. જો કામગીરી સમયસર સંપન્ન કરવામાં આવે તો લોકોની મુશ્કેલી દૂર થઇ શકે છે. 

સ્થાયી સમિતિમાં આઠ મહિલાઓને સ્થાન અપાતા આશ્ચર્ય 

સુરત મહાનગર પાલિકાની મહત્વની એવી સ્થાયી સમિતિનો પદભાર રાજન પટેલને સોંપવામાં આવ્યો છે પરંતુ તેમની સાથે તેમને જે ટીમ ફાળવવામાં આવી છે તેમાં 11 પૈકી આઠ મહિલાઓને સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. સ્ટેન્ડિંગમાં જે સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમના નામ આ પ્રમાણે હોવાનુું જાણવા મળે છે. દીનાનાથ ચોધરી, ડિમ્પલ કાપડિયા, સુમન ગડિયા, નરેશ ધમેલિયા, ગીતા રબારી, ઘનશ્યામ સવાણી, આરતી વાઘેલા, નીરાલા રાજપૂત, અલકા પાટિલ, જીતેન્દ્ર સોલંકી ભાવિશા પટેલનો સમાવેશ થાય છે.