Page Views: 5918

સુરતમાં પક્ષ પલટુ કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ ચોવિસ કલાકમાં ગુલાટ મારી હવે ભાજપ નહીં છોડે

આપમાંથી ભાજપમાં આવ્યા બાદ ભાજપને રામ રામ કરવાની જાહેરાત કર્યાના ચોવિસ કલાકમાં જ ભાજપમાં રહેવાનું રટણ કરવા લાગ્યા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકો અને સંગઠનના હોદેદારો થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડીને લાવવામાં સફળ રહ્યા હતા. જે પૈકી વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ ગત રોજ સોશીયલ મિડીયામાં એવી જાહેરાત કરી હતી કે, તેઓના કામ ભાજપમાં થતા નથી એટલે હવે તેઓ ટુંક સમયમાં અન્ય ચાર કોર્પોરેટરો સાથે ભાજપને રામ રામ કરશે. જો કે, તેમની આ પોસ્ટ વાયરલ થતા લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. કેટલાકે તો એટલે સુધી લખ્યું હતું કે, જો આને ફરી આપમાં લાવશો તો હું તો આપને મત નહીં આપુ પરંતુ બીજા આપતા હશે તેમને પણ અટકાવીશ. આ પોસ્ટ મુકાયાને ચોવિસ કલાકમાં જ ધર્મેન્દ્ર વાવલિયાએ ફેરવી તોળ્યું છે અને હવે તેઓ એવુ કહી રહ્યા છે કે, ગાંધીનગર વાત થઇ ગઇ છે મારૂ કામ થઇ જશે. એટલે હવે ભાજપને રામ રામ કરવાનો સવાલ નથી. આ ભાઇની પોસ્ટ ઉપર કેટલાક લોકોએ એવી કોમેન્ટ પણ કરી છે કે, ક્યુ કામ થઇ જવાની ખાતરી તેમને ગાંધીનગરથી આપવામાં આવી છે. કોર્પોરેટરો સુરતમાં મેયર કે સ્ટેન્ડીંગ ચેરમેનને બદલે સીધા ગાંધીનગરથી કામ કરાવી લેવાની ખાતરી મેળવે છે તો એવા ક્યા કામ છે એવા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ધર્મેન્દ્ર વાવલિયા ક્યા ચાર કોર્પોરેટર સાથે ભાજપને રામ રામ કરવાના હતા તેનો પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. ટુંકમાં પક્ષ પલટો કરીને આપમાંથી ભાજપમાં આવ્યા બાદ ધર્મેન્દ્ર વાવલિયા ફરી આપમાં જવા માટે તૈયાર થયા અને ફરી વખત નિર્ણય બદલ્યો તેનાથી તેમની જ છબી વધારે ખરડાઇ હોવાનું સ્થાનિક મતદારોનું કહેવું છે.