Page Views: 2311

જીવનદીપ ટ્રસ્ટના માધ્યમથી થયેલા અંગદાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું

હીરા દલાલીમાંથી નિવૃત થયેલા વાલજીભાઇ સખરેલિયા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

અંગાદન ક્ષેત્રમાં સુરત શહેરમાં જાગૃતિ આવી રહી છે. ત્યારે મુળ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બોરવાવ ગામના વનતી અને સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા સખરેલિયા પરિવાર દ્વારા પોતાના સ્વજનનું અંગદાન કરીને માનવતા મહેકાવવામાં આવી હતી. જન્માષ્ટમીના દિવસે સમગ્ર દેશમાં જ્યારે કૃષ્ણજન્મોત્સવના વધામણા સાથે લોકો આ પર્વ ઉજવવામાં મશગુલ હતા ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરતના કાપોદ્રા સમ્રાટ સોસાયટી ખાતે રહેતા વાલજીભાઇ કરશનભાઇ સખરેલિયાના અંગોનું દાન કરીને પરિવારે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું હતું.

બનાવની વિગતો અનુસાર સુરત શહેરના કાપોદ્રા સાગર રોડ પર આવેલી સમ્રાટ સોસાયટીમાં રહેતા અને હીરા દલાલ તરીકે નિવૃત્તિ લીધા બાદ નિવૃત જીવન ગાળતા 57 વર્ષીય વાલજીભાઇ કરશનભાઇ સખરેલીયાને ગત તા- 6ઠ્ઠી સપ્ટેમ્બરે, સવારે 5 વાગ્યે ઘરે ચક્કર આવ્યા બાદ ગભરામણ થતા પરિવારજનોને  તબિયત ઠીક જણાતી ન હોવાથી તેમને  પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમની તબિયત વધારે કથળી હતી તેમજ જન્માષ્ટમીના દિવસે બપોરે 3.30 વાગ્યે ડૉ. હિનાબેન ફળદુ, ડૉ. ભૌમિક ઠાકોર, ડૉ. દર્શન ત્રિવેદી, ડૉ. મેહુલ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ અને ડૉ. ડેનિશ પટેલની ટીમે વાલજીભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી જેથી દર્દીના સગા દ્વારા આ બાબતે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી. જેથી  પી.એમ.ગોંડલીયા , વિપુલ તળાવીયા, અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ તાત્કાલિક કિરણ હોસ્પિટલ પહોંચી હતી તેમજ વાલજીભાઇના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવી અને તેમના સ્વજનનું શરીરતો બળીને રાખ થઇ જવાનું છે પરંતુ જો તેમના અંગોનું દાન કરવામાં આવે તો ઓર્ગન ફેઇલ્યોરથી પિડાતા લોકોને નવજીવન મળી શકે તેમ છે એવી વાત કહી હતી. જેથી વાલજીભાઇના પરિવારના સભ્યોએ ભારે હૈયે વાલજીભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરીને  અંગદાન માટે સહમતિ આપી હતી. 

હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી, અને કિરણ હોસ્પિટલમાં લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ કાર્યરત છે. તેમજ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દી હોવાથી સોટો દ્વારા એ જ હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દી હોય તો એને પ્રાથમિકતા આપવામાં આવે એવી વ્યવસ્થા કરી  હતી. તેમજ રાત્રે 12.30 વાગ્યે દર્દીને ઓપરેશન થિએટરમાં શિફ્ટ કરીને ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની સર્જરી શરૂ કરવામાં આવી હતી. કિરણ હોસ્પિટલમાં જ દાનમાં લેવાયેલી બે કિડની અને એક લિવર ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.  જ્યારે ચક્ષુદાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઇ સવાણી, ટ્રસ્ટી વિજયભાઈ દેસાઈ, એડમીનીસ્ટ્રેટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ તથા જીવનદીપ ટીમના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવીયા અને સમગ્ર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમના પ્રયાસોથી જીવનદીપ સંસ્થા દ્વારા છઠ્ઠુ અંગદાન થયુ હતુ. વાલજીભાઇના અંગદાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે તેમના  પરિવારમાં રેખાબેન (પત્ની), બે પુત્ર કેતનભાઇ અને યોગેશભાઇ તથા બંને પુત્રોની પુત્રવધુઓ છે. પરિવાર દ્વારા પોતાના સ્વજનના અંગદાનનો નિર્ણય લઇને સમાજને નવી રાહ બતાવવામાં આવી છે.