Page Views: 2055

ડેટા એન્ટ્રીના નામે જોબના નામે રૂપિયા પડાવવા કોલ સેન્ટર ચલાવનાર ટોળકી ઝડપાઇ

રિંગરોડ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી માર્કેટમાં ચાલતું હતું રેકેટ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતમાં કોલ સેન્ટરની સાથે સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી અને લાખો રૂપિયા પડાવનારી આ ટોળકીના પઠાણ દંપતી સહિત સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, કોમ્પ્યુટર સહિત કુલ રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ કબેજ કર્યો છે. કોલ સેન્ટરમાંથી ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો. બાદમાં કોન્ટ્રાક્ટ ભંગ કર્યો છે તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી તેમજ વકીલના લેટર પેડ પર નોટિસ મોકલી ગ્રાહકો પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. સલાબતપુરા પોલીસે બાતમીને આધારે રીંગરોડ સ્થિતિ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચ્યુરી બિલ્ડિંગમાં ચોથા માળે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. જેમાં તપાસ દરમિયાન દાનીશ શાહ તેની કંપનીના નામની આંડમાં કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કોલ સેન્ટર ચલાવનાર દાનીશ શાહ તથા કોલ સેન્ટરમાં કામ કરનાર કામીલ મોહમ્મદ રફીક શેખ, અર્ષદ અલ્તાફભાઈ રફત, સાકીર આસીફખાન પઠાણ, ઈમરાન અબ્દુલ ગફાર મણીયાર, સાહીલ સલીમભાઈ નારીયેલી, સાનીયા અને સાકીર આસીફખાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછમાં તેઓ પોતાના આર્થિક લાભ માટે ગુગલ સર્ચમાંથી ક્વીકર ડોટ કોમમાં પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર તથા ઈમેઈલ આઇડીની માહિતી મેળવી ગ્રાહકો સાથે વોટ્સએપમાં સંપર્ક કરતા હતા. બાદમાં ડેટા એન્ટ્રીનું કામ આપવાની વાત કરવામાં આવતી હતી. ડેટા એન્ટ્રીના કામમાં 80 ટકાથી 85 ટકા નીચે જ ચોક્કસાઈ આવે તે રીતે ગોઠવણ કરી કોન્ટ્રાક્ટનો ભંગ થાય તો ગ્રાહકોને રૂપિયા 5880 ચૂકવવાના રહેશે તેવું કોલિંગમાં જણાવી કોન્ટ્રાક્ટ ભંગ બાબતે પોલીસ તથા કોર્ટ કેસ કર્યો હોવાની વકીલના લેટરપેડ પર નોટિસ મોકલી ગ્રાહકો પાસેથી રૂપિયાની જબરદસ્તી માગણી કરવામાં આવતી હતી. અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.