સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મંગળવાર, તા. પ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે કર્ટન રેઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન હબ (આઇ–હબ)ના સીઇઓ હિરણ્મય મહંતાએ સ્ટાર્ટ–અપ અને ઇનોવેશન માટે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત આઇ–હબના સીઇઓ હિરણ્મય મહંતાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂ થઇ હતી ત્યારે તેનું પહેલું એન્જલ ઇન્વેસ્ટર સુરતના વેપારીઓ હતા. તે સમયે સુરતના વેપારીઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયનાન્સ કર્યું હતું તો ઇનોવેશન કરીને સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોને પણ ફાયનાન્સ કરી જ શકે છે. ગુજરાત સરકાર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવા પ્રયાસ કરવામાં આવી રહયો છે અને એના માટે ઉદ્યોગકારો તેમજ કોર્પોરેટ હાઉસિસને જોડવાનો પ્રયાસ થઇ રહયો છે.
આ પ્રયાસના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગુજરાત સરકાર, સ્ટાર્ટ–અપ ઇન્ડિયા અને આઇ– હબના સંયુકતપણે આગામી તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર, ર૦ર૩ના રોજ સુરત સ્ટાર્ટ–અપ એક્ષ્પોનું આયોજન કરાયું છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસીએશન પણ જોડાશે અને ટાઇનો પણ સહકાર મળશે. આ એક્ષ્પોમાં દેશભરમાંથી પ૦ વેન્ચર કેપિટલના સંચાલકો સ્ટાર્ટ–અપ કરવાનું વિચારી રહેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. એક્ષ્પોમાં યુનિકોર્ન પણ આવશે તથા તેઓ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા વિવિધ સેશન્સ લેશે. આ એક્ષ્પોમાં ૬૦ જેટલા સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરાશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી, સુરતના ઉદ્યોગકારો તેમજ કોર્પોરેટ હાઉસિસને સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોને સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩માં જોડાવવા તેમજ એક્ષ્પોમાં એકઝીબીટ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઇવેન્ટમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની સ્ટાર્ટ–અપ કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી સમગ્ર ઇવેન્ટનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા સ્ટાર્ટ–અપ કમિટીના કો–ચેરમેન કશ્યપ પંડયા અને કમિટીના સભ્યો તેમજ ઉદ્યોગ સાહસિકો ઇવેન્ટમાં ઉપસ્થિત રહયા હતા. ગુજરાત આઇ–હબના સીઇઓ હિરણ્મય મહંતાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ ઇવેન્ટનું સમાપન થયું હતું.
• Share •