સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
આવતી કાલે તા.૮ જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ. વર્ષ ૨૦૨૩ની વિશ્વ મહાસાગર દિવસ ઉજવણીની થીમ છે: "Planet Ocean: Tides are Changing". સંયુક્ત રાષ્ટ્રસંઘે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૬૩મા સત્રમાં તા.૮જૂનને "વિશ્વ મહાસાગર દિવસ" તરીકે જાહેર કર્યો હતો. સમુદ્ર એ માનવ તેમજ પ્રાકૃતિક જીવનનો સ્ત્રોત છે. માનવજીવન તેમજ આપણા ગ્રહ પરની અન્ય તમામ જીવંત વસ્તુઓ સમુદ્ર પર આધારિત છે. મહાસાગર પૃથ્વીની સપાટીના ૭૦ ટકા ભૂભાગને આવરી લે છે, તેમ છતાં દરિયાઈ પાણીના ખૂબ ઓછા ભાગનું સંશોધન શક્ય બન્યું છે. મહાસાગરો પૃથ્વી પર ઉપલબ્ધ કુલ ઓક્સિજનના ઓછામાં ઓછા ૫૦ ટકા ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, અને તે પૃથ્વીની મોટાભાગની જૈવવિવિધતાનું ઘર છે, વિશ્વભરમાં ૧ અબજથી વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું પ્રોટીન પણ મુખ્યત્વે સમુદ્રમાંથી મળે છે. સાગર પર આપણે સંપૂર્ણપણે નિર્ભર હોવાથી સમુદ્રજીવન આપણા માટે અતિ મહત્વનું કેન્દ્ર છે. યુનાઈટેડ નેશન્સ દરિયાઈ પર્યાવરણ અને દરિયાઈ જીવન પર વૈશ્વિક પ્રદૂષણ અને મત્સ્ય સંસાધનોના અતિશય વપરાશથી ઉત્પન્ન થતા જોખમો સામે વિશ્વના દેશોને જાગૃત્ત કરવા કાર્યરત છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઓશન કન્ઝર્વેશન દ્વારા સંયુક્ત રીતે દરિયાઈ પર્યાવરણની સ્થિતિ પર એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સમુદાય અને કેટલાક દેશોએ દરિયાઈ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે,પરંતુ આ સમસ્યા હજુ પણ ઘણી ગંભીર છે. માનવીઓ દ્વારા સમુદ્રમાં છોડવામાં આવતા પ્રદૂષકો લોકોની સલામતી અને આરોગ્ય, પ્રાણીસૃષ્ટિ માટે જોખમી છે, ત્યારે "વર્લ્ડ ઓશન ડે"ના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સમુદાયને મહાસાગરના પડકારોનો સામનો કરવા માટે એક મંચ આપ્યો છે.
• Share •