Page Views: 7786

જીવન ભારતી ટ્રસ્ટે નાનપુરા માટે મંજૂરી લીધી અને અડાજણમાં શાળા શરૂ કરતા ડીઇઓએ રૂ.એક લાખ દંડ ફટકાર્યો

શાળા ચાલુ રાખવામાં આવશે તો રોજના દસ હજાર પ્રમાણે દંડ કેમ ન વસુલવો એવા મતલબની શો કોઝ નોટીસ પણ ફટકારવામાં આવી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

શહેરના જાણીતા અને સારી શાખ ધરાવતા જીવન ભારતી ટ્રસ્ટના વહીવટદારોનો મોટો છબરડો બહાર આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા નાનપુરા વિસ્તારમાં શાળા શરૂ કરવાની પરવાનગી લઇને અડાજણણાં શાળા શરૂ કર્યાનું ભોપાળું બહાર આવતા આખરે ડીઇઓએ જીવન ભારતી ટ્રસ્ટને એક લાખનો દંડ ફટકારી શો કોઝ નોટીસ આપી છે. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં નાનપુરા સ્થિત જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરા ટીમલીયાવાડમાં શાળા શરૃ કરવાની મંજુરી લઇ અડાજણમાં શરૃ કર્યાનું બહાર આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ ટ્રસ્ટને પૂર્વ મંજુરી લીધા વગર અમાન્ય સ્થળે શાળા ચલાવવા બદલ રૃા. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અને જેટલા દિવસ ઉલ્લઘન ચાલુ રહે તે દરમિયાન એક દિવસનો રૃા. ૧૦ હજારનો દંડ શા માટે ન કરવો તે અંગે ટ્રસ્ટને કારણદર્શક નોટીસ આપતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરા ટીમલીયાવાડ ખાતે શ્રીમતી ઉષા અને ઉમાકાંત ડી કોન્ટ્રાકટર શૈશવ કુંજ નામની અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી હતી. દરમ્યાન સુરત જિલ્લા શિક્ષણાધિકારીની એક ટીમ આ સ્કુલની ગત દિવસોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી કે ટ્રસ્ટ દ્વારા જે જગ્યાએ એટલે કે ટીમલીયાવાડ ખાતે શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી છે. પરંતુ આ સ્થળે તો આ શાળાના કોઇ નામો નિશાન નથી. શાળા મુળ જગ્યાએ કાર્યરત જ નથી. ડીઇઓની ટીમે વધુ તપાસ કરતા આ શાળા અડાજણમાં શરૃ કરાઇ હતી. આથી ત્યાં તપાસ કરતા ત્યાં શાળા શરૃ કરવા મંજુરી મળી હોઇ તેવા કોઇ આધાર ટીમ સમક્ષ રજુ કરી શક્યા ના હતા. આથી ઇન્ચાર્જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીએ જીવનભારતી ટ્રસ્ટના પ્રમુખને આપનું ટ્રસ્ટ અમાન્ય સ્થળે મંજુરી લીધા વગર શાળા ચલાવે છે. જેથી અમાન્ય શાળા ચલાવવા બદલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ મુજબ ટ્રસ્ટને શાળાની મંજુરી મેળવ્યા વિના શાળા ચલાવવા બદલ રૃા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અને જેટલા દિવસ ઉલ્લધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૃા. ૧૦ હજાર દંડ શા માટે ના કરવો તે અંગે ખુલાસો કરવા સાત દિવસનુ અલ્ટીમેટમ આપતી કારણદર્શક નોટીસ ફટકારી હતી. સાથે જ નિયત સમય મર્યાદામાં ખુલાસો મળશે નહીં તો કશુ કહેવા માંગતા નથી તેમ માની શાળા બંધ કરવા અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ચીમકી આપી હતી. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને નામાંકિત ટ્રસ્ટના સંચાલકો પણ આવા કારનામા કરતા હોવાનું બહાર આવ્યુ છે.