Page Views: 4993

અરબ સાગરમાં ઉદભવેલા બાઇપરજોય વાવાઝોડાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વરસાદની આગાહી

કેરળમાં બેસનારા ચોમાસાની સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરશે બાઇપરજોય વાવાઝોડું

અમદાવાદ-વર્તમાન ન્યૂઝ.કોમ

બાઈપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથો સાથ સૌરાષ્ટ્રના વેરાવળ સહિતના તમામ બંદરો ઉપર ભય જનક સિગ્નલો મુકવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે. દક્ષિણ અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. બાઈપરજોય ચક્રવાતના આવવાના થોડા દિવસ સુધી પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. લોકોને ગરમીથી રાહત મળશે.  હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાઈપરજોયના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, 7 થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે. આ સાથે આ વખતે ચોમાસું સમયસર આવી જશે તેવી આશા છે. જો કે, પહેલા કેરળમાંથી ચોમાસું આવશે. આ પછી, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્ટ્રી કરશે. જો કે, આ વાવાઝોડુ પાકિસ્તાન કે ઓમાન તરફ ફંટાઇ જવાની પણ સંભાવના છે પરંતુ રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે.