Page Views: 2685

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીની ધારાસભ્ય કુમાર કાનાણીની માંગણી

સુરતમાં લારી કલ્ચર હોવાથી લોકોના પેટમાં મોટા પ્રમાણમાં ભેળસેળ યુક્ત ખોરાક જઇ રહ્યો છે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ભાગની ખાદ્ય સામગ્રીના સેમ્પલો ફેઇલ ગયા છે. ખાસ કરીને ચીઝ, પનીર, માયોમીઝ, મરચા પાઉ઼ર સહિતની તમામ ચીજ વસ્તુના સેમ્પલો ફેઇલ થવાથી લોકો બિન આરોગ્ય પ્રદ ખોરાક પોતાના પેટમાં પધરાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ખુબ જ મોટા પ્રમાણમાં વધતું જાય છે. જેવી કે દૂધ અને દૂધની બનાવટો, ચીઝ, પનીર, બટર, બ્રેડ, આઈસ્ક્રીમ, જાહેરમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ, મરી- મસાલા, કઠોળ તેમજ કઠોળ ની બનાવટો, આવી તો અનેક લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ હવે તો શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટ માં પણ ભેળસેળ થવા માંડી છે. જેના કારણે અનેક લોકોના આરોગ્ય જોખમાઇ રહ્યું છે.  સુરતના લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ખાદ્ય ચીજોમાં ભેળસેળ રોકવા માટે જે કાયદાની જોગવાઈ છે. તેમાં સજાની જોગવાઈ ખૂબ ઓછી હોય તેવું લાગે છે. આ ઉપરાંત  પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના રિપોર્ટ ખૂબ જ લાંબા સમય પછી આવે છે. ખોરાકમાં ભેળસેળ એ જાહેર આરોગ્ય માટેનું મોટું જોખમ છે. તેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે અને ઘણીવાર મોતના મુખમાં પણ ધકેલાય છે. અકસ્માતે બનેલા બનાવો માં જો મનુષ્ય વધનો ગુનો લાગતો હોય, તો લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઉભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને ભેળસેળ કરતા લોકોમાં કાયદાના ડરનો માહોલ ઉભો થાય તો જ આ ભેળસેળનું દુષણ બંધ થાય તેવું લાગી રહ્યું છે. આવું કહીને તેઓએ ભેળસેળના કાયદાને કડક બનાવવા માટેની માંગણી કરી છે.