Page Views: 4111

ચેમ્બરના લેડીઝ વીંગે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી

પાલિકા દ્વારા શહેરીજનોને અપાતી વિવિધ સેવાઓ અંગેની વિગતો આપવામાં આવી

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગે ગુરૂવાર, તા. રપ મે, ર૦ર૩ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે ઉધના મગદલ્લા રોડ સ્થિત સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ, ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, વાઇસ ચેરપર્સન મનિષા બોડાવાલા અને સેક્રેટરી શીખા મહેરા તથા પપ જેટલી મહિલા સભ્યોએ સેન્ટરના વિવિધ વિભાગોની મુલાકાત લઇ સેન્ટરની તમામ કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી. 

આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે વિશેષ હાજરી આપી હતી. સુરત મહાનગરપાલિકાના ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડાયરેકટર આઇટી જિગર એચ. પટેલ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લેડીઝ વીંગને સુરત મહાનગરપાલિકા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે કામ કરતા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કામગીરી વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ચેમ્બર દ્વારા પરેશ પટેલ તથા જિગર પટેલનું અભિવાદન પણ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ શહેરીજનોને પૂરી પાડવામાં આવે છે. આ માટે વિવિધ આંતર માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વિવિધ સુવિધાઓનું મોનિટરીંગ એકજ સ્થળેથી કરવામાં આવે છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસિસ જેવી કે બીઆરટીએસ, સિટી બસ, ટ્રાફિક જંકશન મોનિટરીંગ, મહાનગરપાલિકાની અન્ય વિવિધ સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેક્ષ, કમ્પ્લેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, વેકટર બોર્ડ ડિઝીઝ કન્ટ્રોલ સિસ્ટમ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ, જીપીએસ બેઇઝડ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ, વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિગેરે જેવી સેવાઓના મોનિટરીંગ માટે આ સેન્ટર કામ કરે છે.  ખાસ કરીને આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઇમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા, વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઇઝડ સેન્ટરથી કરવા માટે આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિશાળ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ, મહાનગરપાલિકાનું હેલ્પલાઇન કોલ સેન્ટર, પાલિકાની વિવિધ આઇટીને લગતી જરૂરિયાત માટેનું ડેટા સેન્ટર, પ્રેસ એન્ડ મિડિયા બ્રિફીંગ રૂમ, એકઝીકયુટીવ મિટીંગ રૂમ, ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ અને અન્ય સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરાઇ છે.